News of Tuesday, 19th May 2026
અલથાણમાં ખાડીમાંથી હાથ-પગ બંધાયેલી અજાણ્યા યુવકની લાશ મળી
બમરોલી બ્રિજ નજીકથી મૃતદેહ મળતા હત્યાની આશંકા, પોલીસે ગુનો નોંધ્યો

સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બમરોલી બ્રિજ નજીક ખાડીના પાણીમાંથી બંને હાથ અને પગ બંધાયેલી હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યાની આશંકા સાથે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાર્ટ-એ ગુનો નંબર 0276/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો 18 મે, 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યે નોંધાયો હતો.
ખાડીના પાણીમાં તરતી લાશ મળી
પ્રાથમિક માહિતી મુજબ, 18 મેના રોજ સાંજે આશરે 6 વાગ્યાના પહેલા કોઈ સમયે અજાણ્યા યુવકની હત્યા કરીને તેની લાશ ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન છે.
મૃતદેહ અલથાણ વિસ્તારમાં બમરોલી બ્રિજથી આશરે 200 મીટર દૂર એક સ્ટ્રીટ લાઇટના પોલ પાસે ખાડીના પાણીમાં અટકાયેલ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના બંને હાથ અને બંને પગ બાંધેલા હોવાથી હત્યાની આશંકા વધુ મજબૂત બની છે.
20થી 30 વર્ષના યુવકનો મૃતદેહ
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક અજાણ્યો પુરુષ છે અને તેની ઉંમર અંદાજે 20થી 30 વર્ષની વચ્ચે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો.
ઓળખ અને આરોપીની શોધખોળ શરૂ
અલથાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા અને હત્યા પાછળ જવાબદાર અજાણ્યા આરોપી સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કેસની વધુ તપાસ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે. નિનામા ચલાવી રહ્યા છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
