News of Monday, 23rd November 2026
ભાજપાની સરકાર બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થાઓ અને નાગરિકોના અધિકારોનું સન્માન કરવા તથા તેનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે: પ્રશાંતભાઈ વાળા
૨૬ નવેમ્બર- સંવિધાન ગૌરવ દિવસ અન્વયે જૂનાગઢ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત ભાજપાના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કરીને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબને કૃતજ્ઞતા સાથે સન્માન આપ્યું છે : પ્રશાંતભાઈ વાળા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાત ભાજપાના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ ૨૬ નવેમ્બર – સંવિધાન ગૌરવ દિવસ અન્વયે આજે જૂનાગઢ મહાનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ૨૬ નવેમ્બર, ૧૯૪૯ન દિવસ અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. દેશના લોકતંત્ર, નાગરિક અધિકારો અને સામાજિક ન્યાયના પાયાને મજબૂત બનાવનાર આ ઐતિહાસિક દિવસને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ બંધારણીય મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ૨૬ નવેમ્બર, ૨૦૧૦ના રોજ સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી ઉપર બંધારણ મૂકીને યાત્રા કાઢવામાં આવી હતી. આ અગાઉ ૧૯૭૯થી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની પહેલથી ૨૬ નવેમ્બરના દિવસને કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. આમ, સંવિધાન પ્રત્યેનો આદર અને બંધારણીય મૂલ્યોની ઉજવણીને વ્યાપક જનભાગીદારી સાથે રાષ્ટ્રીય ગૌરવના પર્વ તરીકે પ્રસ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે.
પ્રશાંતભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને બંધારણમાં સ્થાન આપીને દેશના દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કર્યું છે. મહિલાઓના અધિકારો, શ્રમિકોના હિતો, સામાજિક ન્યાય, શિક્ષણ અને વંચિત વર્ગોના ઉત્થાન માટે બાબાસાહેબનું યોગદાન અવિસ્મરણીય છે. બાબાસાહેબનું સમગ્ર જીવન સર્વસમાવેશક વિચારધારા અને સામાજિક સમરસતાની પ્રેરણા આપનારું રહ્યું છે. તેમના વિચારોને કોઈ એક જ્ઞાતિ, સમાજ કે વર્ગ પૂરતા મર્યાદિત કરી શકાય નહીં. તેઓ સમગ્ર રાષ્ટ્રના મહાન વિચારક અને બંધારણીય મૂલ્યોના પ્રણેતા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બાબાસાહેબના જીવન અને વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અનેક ઐતિહાસિક પહેલ કરી છે. બાબાસાહેબના જીવન સાથે જોડાયેલાં પાંચ મહત્ત્વપૂર્ણ સ્થળોને ‘પંચતીર્થ’ તરીકે વિકસાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશનું જન્મભૂમિ મહૂ, લંડનનું શિક્ષણભૂમિ, નાગપુરની દીક્ષાભૂમિ, દિલ્હીની મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈની ચૈત્યભૂમિનો સમાવેશ થાય છે. દિલ્હીના ૨૬, અલીપુર રોડ ખાતે બાબાસાહેબના મહાપરિનિર્વાણ સ્થળે ભવ્ય રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરીને તેમના વિચારો, સંશોધન અને જીવનદર્શનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિજિટલ પેમેન્ટ એપનું નામ ‘BHIM’ રાખીને પણ બાબાસાહેબને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પ્રશાંતભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ હાથમાં બંધારણની નકલ લઈને લોકશાહી અને બંધારણના રક્ષણની વાતો કરે છે, પરંતુ દેશનો ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે જ સત્તાના અહંકારમાં લોકશાહીના મૂળભૂત મૂલ્યોનું સૌથી મોટું હનન કર્યું હતું. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીને બંધક બનાવી દીધી હતી. કટોકટીના ૨૧ મહિના દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓ છીનવી લેવામાં આવી હતી. અનેક નાગરિકો પર દમન ગુજારવામાં આવ્યું હતું, સેંકડો નાગરિકોને કોઈ યોગ્ય કારણ વિના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને પ્રેસ તથા મીડિયા પર સેન્સરશિપ લાદીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી હતી. આજે બંધારણના નામે રાજનીતિ કરતી કોંગ્રેસનો ઇતિહાસ લોકશાહીના હનનથી ખરડાયેલો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું હોવા છતાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને સામાજિક ન્યાયના મુદ્દાઓને જોઈએ તેવું રાષ્ટ્રીય મહત્ત્વ આપ્યું નહોતું. બાબાસાહેબના જીવનકાળ દરમિયાન જ કોંગ્રેસ સાથે તેમના અનેક રાજકીય અને વૈચારિક મતભેદો રહ્યા હતા. દેશના બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા મંત્રી હોવા છતાં બાબાસાહેબને લોકસભામાં પહોંચતા રોકવા માટે કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા રાખીને તેમને હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આજે એ જ કોંગ્રેસ રાજકીય સ્વાર્થ અને સત્તાની લાલસામાં બાબાસાહેબના નામનો ઉપયોગ કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસની કથની અને કરણી વચ્ચેનો આ વિરોધાભાસ દેશની જનતા સારી રીતે જાણે છે. જે પક્ષે કટોકટી લાદીને લોકશાહીને કચડી હતી, તે પક્ષ આજે લોકશાહીના રક્ષણની વાત કરે તે મોટો રાજકીય દંભ છે.
વાળાએ જણાવ્યું હતું કે, બાબાસાહેબનું સ્વપ્ન હતું કે દેશના દરેક નાગરિકને સમાન તક, સમાન અધિકાર અને સન્માનપૂર્ણ જીવન મળે. આ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે સતત કાર્યરત છે. બાબાસાહેબના વિચારોને માત્ર સ્મારકો અને ઉજવણીઓ પૂરતા મર્યાદિત રાખવાને બદલે ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગોના સશક્તિકરણની નીતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે જનધન યોજના દ્વારા કરોડો ગરીબ પરિવારોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. ઉજ્જ્વલા યોજના દ્વારા ગરીબ પરિવારોની મહિલાઓને ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ પરિવારોને પાકાં મકાનો આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવીને ખાસ કરીને મહિલાઓના ગૌરવ, સુરક્ષા અને સન્માન સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બાબાસાહેબ શિક્ષણને સામાજિક પરિવર્તનનું સૌથી મોટું સાધન માનતા હતા. આ જ વિચારધારાને અનુરૂપ નવી શિક્ષણ નીતિ અને કૌશલ્ય વિકાસની પહેલો દ્વારા યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને પ્રગતિની નવી તકો ઊભી કરવામાં આવી રહી છે.
અંતમાં પ્રશાંતભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માને છે કે બંધારણ એ દેશની એકતા, અખંડિતતા, સામાજિક સમરસતા અને લોકશાહીનો મજબૂત પાયો છે. ભાજપાની સરકાર બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થાઓ અને નાગરિકોના અધિકારોનું સન્માન કરવા તથા તેનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આજે ગૌરવ સાથે કહી શકાય કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને રાષ્ટ્રીય ગૌરવના કેન્દ્રમાં સ્થાપિત કરવાનું કાર્ય થયું છે. સંવિધાન ગૌરવ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોને જીવનમાં ઉતારવા, સામાજિક સમરસતાને મજબૂત બનાવવા અને દરેક નાગરિકને ન્યાય, સમાનતા તથા સન્માન મળે તે માટેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પત્રકાર પરિષદમાં જૂનાગઢ મહાનગર ભાજપાના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપા અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા, મેયર ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ મહાનગર મીડિયા ઇન્ચાર્જ સંજયભાઈ પંડ્યા તથા સહ ઇન્ચાર્જ સુરેશભાઈ પાનસુરીય ઉપસ્થિત રહ્યાં હતાં
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
