<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસે 'ટોબેકો ફ્રી ગુજરાત' અભિયાનની મોટી સફળતા : રાજ્યમાં ૧ વર્ષમાં ૨ લાખથી વધુ નાગરિકોનું કાઉન્સિલિંગ કરાયું : ૧૨ હજારથી વધુ શાળાઓ તમાકુ મુક્ત બની

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના દિશાદર્શનમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની ૧૦ હજારથી વધુ સરપ્રાઈઝ વિઝિટ : પાટણના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે ૧૦૦૦ લોકોને વ્યસનમુક્ત કરી સ્થાપ્યો આદર્શ

ગાંધીનગર:વિશ્વ તમાકુ નિષેધ દિવસના પાવન અવસરે ગુજરાત સરકારે 'ટોબેકો ફ્રી ગુજરાત' ના સંકલ્પને સાકાર કરવા તરફ મોટી સફળતા મેળવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા દિશાદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન પ્રયાસોના ખૂબ જ હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યભરમાં કાર્યરત “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” (Tobacco Cessation Centre) ના માધ્યમથી ૦૨ લાખથી વધુ તમાકુનું સેવન કરનારા નાગરિકોનું સફળતાપૂર્વક કાઉન્સિલિંગ કરીને તેમને વ્યસનમુક્તિની રાહ બતાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગે ગુજરાતમાં કોટપા (COTPA - Cigarettes and Other Tobacco Products Act of 2003) કાયદાના ચુસ્ત અને કડક અમલીકરણ માટે ગંભીરતાપૂર્વક પગલાં ભર્યા છે. જેના પરિણામે વર્ષ ૨૦૨૫-૨૬ના ગાળામાં રાજ્યની ૧૨,૪૯૦ શાળાઓને સંપૂર્ણપણે તમાકુ-મુક્ત જાહેર કરવામાં સફળતા મળી છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુના દૂષણને રોકવા માટે એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧૦,૪ drill૪૧ જેટલી આકસ્મિક (સરપ્રાઈઝ) વિઝિટ કરવામાં આવી હતી. તંત્રની આ કડક ઝૂંબેશ અને સતત ચેકિંગના કારણે શાળાઓમાં અને વિદ્યાર્થીઓમાં તમાકુ સેવનના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.

રાજ્યના નાગરિકોને પાયાના સ્તરેથી જ વ્યસનમુક્ત કરવા માટે ગુજરાત સરકારે હવે તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર આવતા દરેક દર્દી માટે વિશેષ '3A' (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સ્ક્રિનિંગ ફરજિયાત બનાવ્યું છે. આ નવીન પ્રયોગ અંતર્ગત દર્દીને વ્યસન વિશે પૂછવામાં આવે છે, તેને છોડવાની સલાહ અપાય છે અને તેની સ્થિતિનું મૂલ્યાંકન કરાય છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના અસંખ્ય ગામડાઓ આજે સમગ્ર રાજ્યમાં 'ટોબેકો ફ્રી વિલેજ' (તમાકુ મુક્ત ગામ) તરીકે એક ઉત્કૃષ્ટ મોડલ બનીને ઉભરી આવ્યા છે, જ્યારે અમદાવાદમાં અમલી બનેલો પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling) એટલે કે મિત્રો દ્વારા મિત્રોનું કાઉન્સિલિંગ કરવાનો પ્રયોગ પણ અત્યંત સફળ પુરવાર થયો છે.

પાટણના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલની પ્રેરણાદાયી કામગીરી: ૧,૦૦૦ થી વધુ લોકોને કર્યા વ્યસનમુક્ત

આ સમગ્ર સરકારી અભિયાન વચ્ચે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિચા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ પટેલે વ્યક્તિગત સ્તરે માનવતાનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. નરેશભાઈ પટેલે વર્ષ ૨૦૧૦ થી નિઃશુલ્ક વ્યસનમુક્તિ અભિયાનનો પ્રારંભ કરીને આજ દિન સુધીમાં ૧,૦૦૦ થી વધુ લોકોને તમાકુ અને અન્ય ઘાતક વ્યસનોમાંથી કાયમી મુક્તિ અપાવી છે. તેમણે વિવિધ પુસ્તકો, ઓડિયો-વીડિયો અને સોશિયલ મીડિયાના સચોટ માધ્યમોનો ઉપયોગ કરીને લોકજાગૃતિ ફેલાવી છે. આ ભગીરથ અને નિઃસ્વાર્થ સામાજિક સેવા બદલ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ નરેશભાઈ પટેલનું જાહેર મંચ પર બહુમાન કરીને સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

પોતાના આ અભિયાનની શરૂઆત અંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે સૌપ્રથમ એક ગામના સરપંચને વ્યસનથી થતા શારીરિક અને આર્થિક નુકસાન અંગે વિગતવાર સમજણ આપી હતી. આ પ્રેરણાત્મક વાતચીતથી પ્રભાવિત થઈને તે સરપંચે થોડા જ સમયમાં તમાકુનું વ્યસન સદંતર છોડી દીધું હતું અને હોસ્પિટલના સમગ્ર સ્ટાફનું મોઢું મીઠું કરાવીને પોતાની 'વ્યસનમુક્તિ'ની અનોખી ઉજવણી કરી હતી. આ એક સફળ પરિણામમાંથી પ્રેરણા મેળવીને જ નરેશભાઈ પટેલને આજીવન નિઃશુલ્ક વ્યસનમુક્તિ આંદોલન ચલાવવાનો શ્રેષ્ઠ વિચાર આવ્યો હતો. આજે પણ તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા પ્રત્યેક દર્દી પાછળ પોતાની ફરજના ભાગરૂપે ખાસ ૧૦ મિનિટ ફાળવે છે, તેમની પાસે સંકલ્પ-પત્ર ભરાવે છે તેમજ વ્યસન છોડવા માટે કેટલાક અત્યંત વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક ઉપાયો સૂચવે છે, જે નીચે મુજબ છે:

  વ્યસની મિત્રોની સંગતથી સદંતર દૂર રહેવું: વ્યસન છોડવા માટે સૌપ્રથમ એવા મિત્રો કે વર્તુળથી અંતર જાળવવું જરૂરી છે જેઓ તમાકુનું સેવન કરતા હોય.

  પાન-પાર્લરનો રસ્તો બદલી નાખવો: જે રસ્તા પર પાનની દુકાનો કે પાર્લર આવતા હોય, તે માર્ગ પરથી પસાર થવાનું જ ટાળવું જેથી મન મક્કમ રહે.

  તલપ લાગે ત્યારે પુષ્કળ પાણી પીવું: જ્યારે પણ તમાકુ કે ગુટખા ખાવાની તીવ્ર ઈચ્છા કે તલપ જાગે, ત્યારે તુરંત જ મોટી માત્રામાં પાણી પી લેવું જેથી ધ્યાન ભટકાય.

  આદુના ટુકડાનો દેશી પ્રયોગ: મસાલા કે તમાકુ ખાવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે આદુના નાના-નાના ટુકડા કરી, તેમાં લીંબુનો રસ અને સિંધાલુણ મીઠું ભેળવીને તેને મોઢામાં રાખી મમળાવવા, જેથી નિકોટિનની ઈચ્છા શાંત થઈ જાય છે.

(6:50 PM IST)