<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત

રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર : સરકાર દ્વારા નાગરિકોને તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે- ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે અંકલેશ્વર-રાજપીપલા રોડ પર આવેલ કરજણ બ્રીજના રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે થનારા પુનઃ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતાં.
   આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્ય પણ વિકાસના પંથે સતત આગળ વધી રહ્યું છે. વિકાસને વધુ ગતિ આપવા માટે નાગરિકોને ઉત્તમ રોડ-રસ્તા, રેલવે સહિત તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર આવેલ કરજણ બ્રીજ વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ કડી છે. વધતા ટ્રાફિક અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આ બ્રીજને વધુ બહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેના કારણે પ્રવાસન તેમજ સ્થાનિક અવરજવર વધુ સરળ બનશે.
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, આ બ્રીજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના વિવિધ કામો અવિરતપણે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને પગલે માર્ગ, પ્રવાસન અને અન્ય માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, કાર્યપાલક ઈજનનેર એસ.એચ.મોદી, R&B ના અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:09 PM IST)