News of Wednesday, 28th October 2026
બનાસકાંઠાના ભીલડીમાં રૂ. ૩૮.૮૩ કરોડના ખર્ચે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ : અત્યાધુનિક પ્રજનન તકનીકથી વાર્ષિક ૨૫,૦૦૦ ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૦ ઓક્ટોબરે કરશે લોકાર્પણ : એક જ ઉત્કૃષ્ટ ગાયથી વર્ષમાં ૧૦ થી ૨૦ વાછરડીઓ મેળવી શકાશે : જ્યારે પશુપાલકોને માત્ર રૂ. ૧૦૦૦માં મળશે એક ભ્રૂણની સુવિધા

બનાસકાંઠા : દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને પશુપાલકોની આવક વધારવાના હેતુથી બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે અદ્યતન 'ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રૂપિયા ૩૮.૮૩ કરોડના જંગી ખર્ચે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની ટેક્નિકલ સહાયથી ૧૨૭ એકર વિસ્તારમાં બનેલા આ કેન્દ્રનું આગામી ૩૦ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ અત્યાધુનિક રિસર્ચ સેન્ટરમાં ઓવમ પિક-અપ અને ઇન વિટ્રો એમ્બ્રિયો પ્રોડક્શન (OPU-IVEP-ET) જેવી અદ્યતન પ્રજનન તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. પરંપરાગત પદ્ધતિમાં એક ઉત્કૃષ્ટ ગાય વર્ષે માત્ર એક જ વાછરડી આપી શકે છે, પરંતુ આ બાયોટેક્નોલોજી પદ્ધતિ અને વિટ્રિફિકેશન (ફ્લેશ-ફ્રીઝિંગ) તકનીક દ્વારા એક જ ઉત્કૃષ્ટ ગાય વર્ષમાં ૧૦ થી ૨૦ વાછરડીઓ પેદા કરી શકશે. સેન્ટર દ્વારા વાર્ષિક ૨૫,૦૦૦ ભ્રૂણ વિકસિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બનાસકાંઠા મિલ્ક-શેડના અંદાજે ૨૮ લાખ પશુધનને ધ્યાનમાં રાખીને કાંકરેજ, ગીર, સાહીવાલ જેવી દેશી ગાયો, મહેસાણી, બન્ની, મુર્રાહ જેવી અગ્રણી ભેંસો તેમજ એચ.એફ. અને જર્સી જેવી વિદેશી ઓલાદોના સંવર્ધન માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. પશુપાલકોને આર્થિક ભારણ ન પડે તે માટે માત્ર રૂ. ૧૦૦૦માં ભ્રૂણ ઉપલબ્ધ કરાવાશે અને ગર્ભાવસ્થાની પુષ્ટિ બાદ બાકીની રકમ સરકાર તથા સહકારી સંસ્થાઓ દ્વારા સબસીડી પેટે ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત, ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધનને વેગ આપવા માટે 'બોવાઈન બ્રીડપ્રેન્યોર ક્લબ' કાર્યરત કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં ૩૧૬ પ્રગતિશીલ બ્રીડપ્રેન્યોર્સ જોડાયા છે. આ કેન્દ્રના માધ્યમથી પશુઓની આનુવંશિક ગુણવત્તા સુધરશે અને ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવીને દેશી ડેરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ મળશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
