<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગાંધીનગરમાં 'બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ' વિતરણ સમારોહ યોજાયો : રાજ્યના ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કારો એનાયત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦૦ નવા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ અને SAC-ISRO સાથે મહત્વપૂર્ણ MoU સંપન્ન : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારના 'બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પેદાશોના ૧૦૦ નવા વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની સાથે રાજ્યમાં આવા કેન્દ્રોની કુલ સંખ્યા વધીને ૧,૨૦૦ થઈ છે. આ ઉપરાંત ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગ માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU કરવામાં આવ્યા હતા તેમજ મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૨) તરીકે પસંદગી પામેલા ૧૪ નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.

સમારોહને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, “પહેલું સુખ તે જાતે નર્યા” ની ઉક્તિ મુજબ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીન, પાણી અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો અત્યંત જરૂરી છે. તેમણે ડેનમાર્કનું ઉદાહરણ આપતાં ઉમેર્યું હતું કે ત્યાં ગાયના છાણ-મૂત્રથી ઓર્ગેનિક કાર્બન ૨% જાળવી રખાયો છે. રાજ્યપાલે નવા વેચાણ કેન્દ્રોને ગ્રાહકોના 'વિશ્વાસના કેન્દ્રો' બનાવવા હાકલ કરી હતી અને દરેક પ્રાકૃતિક ખેડૂતને અન્ય એક ખેડૂતને આ અભિયાન સાથે જોડવા આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન'ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયથી અન્નદાતાના સશક્તિકરણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. જમીનનું સ્વાસ્થ્ય અને માનવ સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા હોવાથી પ્રાકૃતિક ખેતી સાથે જળસંચય અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારના 'બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવી અન્ય પાંચ ખેડૂતોને જોડવા આહ્વાન કર્યું હતું. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે “એન્યુઅલ એક્શન પ્લાન ૨૦૨૬-૨૭” સહિત વિવિધ યોજનાકીય પુસ્તકોનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણા, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડી સહિત સમગ્ર રાજ્યમાંથી ૫૦,૦૦૦ જેટલા ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

(3:51 PM IST)