<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

બગોદરા-સનાથલ હાઈવે પર 6-7 ફૂટ પાણી ભરાતા અમદાવાદ-સૌરાષ્ટ્રનો મુખ્ય માર્ગ બંને બાજુ બંધ : હજારો વાહનચાલકો અટવાયા

અતિભારે વરસાદથી ચાંગોદર પાસે પણ પાણી ભરાયા; ધોળકા હાઈવે પણ બંધ, તંત્રએ વૈકલ્પિક રૂટ અપનાવવા કરી અપીલ

અમદાવાદ/બગોદરા તા.૨૪ :  રાજ્યમાં સત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો બગોદરા-સનાથલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

હાઈવે પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા બંને બાજુથી અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાણીના કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા.

અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતા હજારો મુસાફરો અને માલવાહક વાહનોને ભારે હાલાકી પડી છે.ચાંગોદર પાસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાયો છે.

પોલીસ અને તંત્રના કર્મચારીઓ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યા છે. પાણી ઓસરે ત્યાં સુધી હાઈવે ખોલવામાં નહીં આવે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમદાવાદથી રાજકોટ જવાનો બીજો મુખ્ય માર્ગ ધોળકા હાઈવે* પણ અગાઉ ચલોડા અને ભાત ગામ પાસે પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. એટલે હાલ બંને મુખ્ય માર્ગો બંધ છે.

તંત્રએ નાગરિકોને 1073 ટ્રાફિક હેલ્પલાઈન પર સંપર્ક કરીને જ નીકળવા અપીલ કરી છે.

IMD અમદાવાદ દ્વારા આજે અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની ચેતવણી આપવામાં આવી છે.

 

(3:30 PM IST)