News of Wednesday, 4th November 2026
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૭ ની પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની જાહેરાત : રેગ્યુલર ફી સાથે ૦૪ નવેમ્બરથી ૦૩ ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ
ધોરણ-૧૦, ધોરણ-૧૨ (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) સહિતના તમામ નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે : બોર્ડ દ્વારા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા કરાઈ તાકીદ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ફેબ્રુઆરી-૨૦૨૭ માં યોજાનારી બોર્ડની જાહેર પરીક્ષાઓ માટેનું જાહેરનામું અને અખબારી યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે. બોર્ડ દ્વારા રાજ્યની તમામ નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સમયમર્યાદા:
શિક્ષણ બોર્ડની યાદી જણાવ્યા અનુસાર, ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી-૨૦૨૭ ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો નિયમિત (રેગ્યુલર) ફી સાથે ઓનલાઇન ભરી શકાશે. આ પ્રક્રિયા તાજેતરમાં તારીખ ૦૪/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી શરૂ થઈને તારીખ ૦૩/૧૨/૨૦૨૬ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. તમામ સંબંધિતોએ આ નિર્ધારિત સમય મર્યાદાને ધ્યાનમાં રાખી સમયસર ફોર્મ ભરી દેવા અપીલ કરાઈ છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી આ ફોર્મ ભરી શકાશે.
કોણે ભરવાના રહેશે ઓનલાઇન ફોર્મ?
આગામી પરીક્ષા માટે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ જેવા કે નિયમિત (રેગ્યુલર), પુનરાવર્તિત (રિપીટર), જીએસઓએસ (GSOS) રેગ્યુલર, જીએસઓએસ પુનરાવર્તિત (રિપીટર) તેમજ પૃથ્થક (isolated) વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે પોતાના આવેદનપત્રો ઓનલાઇન જ ભરવાના રહેશે. ફોર્મ ભરવા અંગેની વિગતવાર અને જરૂરી સૂચનાઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેથી શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ કાર્યવાહી કરી શકે. ગાંધીનગર સ્થિત બોર્ડના સચિવ આર.આર. વ્યાસ દ્વારા આ અખબારી યાદી બહાર પાડીને તમામ શાળાઓને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
