<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુરતમાં વધુ એક ‘શિવા ગેંગ’ના નામે વેપારી પાસેથી રૂ.1.25 લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો

શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા તેના સાગરીતોએ ફ્રૂટ વેપારીને ધમકી આપી માર માર્યો, ચપ્પુ બતાવી પૈસા પડાવ્યાનો આક્ષેપ; ઉધના પોલીસે ગુનો નોંધ્યો

સુરત : સુરત શહેરમાં ગેંગના નામે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં ફ્રૂટના વેપારીને ‘શિવા ગેંગ’ના નામે ધમકી આપી રૂ.1.25 લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી કેશરઅલી આબેદઅલી સૈયદ (ઉ.વ.26) ( રહે. મોમનાવાડ, અઠવા, સુરત) ફ્રૂટનો વેપાર કરે છે. ગત 4 જાન્યુઆરી 2026ની રાત્રે ધંધો પૂર્ણ કરીને તેઓ એમ-4 માર્કેટ આગળ નવકેતન સોસાયટી પાછળ ઝીરો નંબર ખાડી પાસે ઉભા હતા. તે દરમિયાન તેમના ઓળખીતા ફ્રૂટ વેપારી મુસ્તાન સૈયદ શેખ સાથે ધંધાની વાતચીત ચાલી રહી હતી.
આ દરમિયાન રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં એક કાળા રંગની બુલેટ મોટરસાયકલ અને એક મોપેડ પર કેટલાક શખ્સો ત્યાં પહોંચ્યા હતા. જેમાં શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલાએ ફરિયાદીને ધમકી આપતા જણાવ્યું હતું કે, “ફ્રૂટના ધંધામાં બહુ પૈસા કમાવ છો, શિવા ગેંગને ભૂલી ગયા છો. જો સુરતમાં ધંધો કરવો હોય તો દરરોજ એક હજાર રૂપિયા ગેંગ માટે અલગ રાખવાના રહેશે.”
ફરિયાદ મુજબ, આરોપીઓએ તાત્કાલિક રૂ.50 હજારની માંગણી કરી હતી. ડરના કારણે ફરિયાદીએ પોતાના ખિસ્સામાંથી રૂ.25 હજાર કાઢી આરોપીને આપ્યા હતા. ત્યારબાદ સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળીએ ફરિયાદીને ગાલ પર તમાચા માર્યા હતા. સાથે જ રામ ઝાલાએ ચપ્પુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયા માંગ્યા હતા.
ધમકી અને ભયના કારણે ફરિયાદીએ પોતાના પેન્ટના ખિસ્સામાં રહેલા વધુ રૂ.1 લાખ પણ આરોપીઓને આપી દીધા હતા. જતા જતા આરોપીઓએ “શિવા ગેંગને પૈસા નહીં પહોંચાડે તો જીવતો નહીં રહે” તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે ઉધના પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 308(5), 115(2), 351(3), 352, 61(2), 3(5) તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા, રામ ઝાલા, શાહરૂખ ઉર્ફે શાહરૂખ સેવન, રોહિત ભીખુભાઈ રાઠોડ અને સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાની તપાસ પીએસઆઈ પી.પી. ખટાણા ચલાવી રહ્યા છે.

(1:03 PM IST)