News of Thursday, 22nd October 2026
આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ ભગવતસિંહ વનાર ફેક્ટરી બંધ કરવાની ધમકી આપી ૪૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા આણંદ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા
ફરિયાદીને પ્રદૂષણ ફેલાવતા હોવાની ધમકી આપી દોઢ ટન એસી અને રોકડ રકમની માંગણી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વિરાણી તથા તેમની ટીમ દ્વારા સફળ ટ્રેપની કાર્યવાહી કરાઈ

આણંદ -આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે એસીબી દ્વારા એક સફળ ટ્રેપની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના આરોપી રાજદીપસિંહ ભગવતસિંહ વનાર, જેઓ આંકલાવ પોલીસ સ્ટેશન, જી. આણંદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ ના હોદ્દા પર ફરજ બજાવે છે, તેમને લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ટ્રેપની કાર્યવાહી તા. ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ પાર પાડવામાં આવી હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક અને આ કામના ફરિયાદીને આક્ષેપિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને ધમકાવીને ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે તેમ કહીને ફેક્ટરી બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી તથા દોઢ ટનના એ.સી. ની માંગણી કરવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ આ માંગણીની ના પાડી, ત્યારે આક્ષેપિત દ્વારા રૂા. ૪૦,૦૦૦/- આપી દેવાનું જણાવીને લાંચની માંગણી કરવામાં આવી હતી.
પરંતુ ફરિયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી તેઓ આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પોતાની લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂા. ૪૦,૦૦૦/- સ્વીકારીને સ્થળ ઉપર જ પકડાઈ ગયા હતા. આમ, તેઓએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી.
આ સમગ્ર સફળ ટ્રેપની કાર્યવાહી મોજે પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં, આંકલાવ પોલીસ સ્ટેશન, તા. આંકલાવ, જી. આણંદ ખાતે કરવામાં આવી હતી. આ કેસમાં આણંદ એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વિરાણી તથા તેમની ટીમ દ્વારા સફળ ટ્રેપ પાર પાડવામાં આવી છે, જેમાં લાંચની માંગણી કરેલી, સ્વીકારેલી અને રીકવર કરાયેલી કુલ રકમ રૂા. ૪૦,૦૦૦/- પકડાઈ ગઈ છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
