<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80.56 લાખના દાગીના લઈને ફરાર થતા ખળભળાટ

બસ ભુજ પહોંચ્યા બાદ જ્યુબિલી સર્કલ પાસેથી કર્મચારી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયો :મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવતા વિશ્વાસઘાત અને ચોરીની શંકા

અમદાવાદના વેપારી મથક કાલુપુરમાં આંગડિયા પેઢીના એક કર્મચારીએ માલિકનો વિશ્વાસ તોડી લાખોની મત્તા પર હાથ સાફ કર્યો છે. પેઢી દ્વારા દાગીનાની ડિલિવરી માટે મોકલવામાં આવેલો કર્મચારી રસ્તામાં જ કરોડોની કિંમતના સોના, ચાંદી અને ડાયમંડના પાર્સલ લઈને પલાયન થઈ ગયો છે. આ ઘટનાને પગલે આંગડિયા જગતમાં ખળભળાટ મચી ગયો છે અને કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કાલુપુરની આંગડિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને કિંમતી જ્વેલરીના પાર્સલ આપી ભુજ મોકલવામાં આવ્યો હતો. આ પાર્સલમાં સોના-ચાંદી અને મોંઘાદાટ ડાયમંડના દાગીના હતા, જેની કુલ કિંમત અંદાજે રૂ. 80.56 લાખ થાય છે. પેઢીએ વિશ્વાસ મૂકીને જીગરસિંહને આ કામગીરી સોંપી હતી, પરંતુ તે દાગીના સાથે ગાયબ થઈ જતાં વેપારી પેઢીના હોશ ઊડી ગયા છે.

કર્મચારીને અમદાવાદના પાલડી વિસ્તારથી સહજાનંદ ટ્રાવેલ્સની અમદાવાદ-માંડવી બસ (નંબર AR-01-Y-8199) માં બેસાડવામાં આવ્યો હતો. આયોજન મુજબ તેને ભુજ જઈને દાગીનાની ડિલિવરી કરવાની હતી. પરંતુ, બસ ભુજ પહોંચ્યા બાદ જ્યુબિલી સર્કલ પાસેથી કર્મચારી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. ભુજમાં જે વ્યક્તિને પાર્સલ મળવાનું હતું તે રાહ જોતી રહી ગઈ પણ જીગરસિંહ ત્યાં પહોંચ્યો જ નહીં.

ભુજમાં ડિલિવરી ન મળતા પેઢી દ્વારા જીગરસિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. લાંબો સમય વીતી ગયા બાદ પણ તેનો કોઈ પત્તો ન લાગતા વેપારીને વિશ્વાસઘાત અને ચોરી થઈ હોવાની શંકા દ્રઢ બની હતી. અંતે પેઢીના માલિકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કાલુપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. પોલીસ હવે પાલડીથી લઈને ભુજ સુધીના રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે કર્મચારી બસમાંથી કઈ જગ્યાએ ઉતર્યો હતો અને તેને ભાગવામાં અન્ય કોઈની મદદ મળી છે કે કેમ. આટલી મોટી રકમના દાગીનાની ચોરીમાં અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.

(8:51 PM IST)