News of Saturday, 2nd May 2026
અંબાલાલ પટેલની મોટી આગાહી: કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, 5 મેથી ગુજરાતમાં પવન અને વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવશે પલટો; જૂનની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની વકી

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી આકરી ગરમી અને અંગદઝાડતા તાપ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી ૫ મેથી એક મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં ગરમીના પારામાં ઘટાડો થશે અને વાતાવરણમાં પલટો આવશે.
ધૂળની ડમરીઓ અને હળવા વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૫ થી ૮ મે દરમિયાન પંચમહાલ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, વરસાદ કરતાં પવનનું જોર વધુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા રહેશે.
તાપમાનમાં આવશે ઘટાડો
અત્યારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી રહ્યો છે, પરંતુ પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી જશે. ૧૧ થી ૨૦ મે દરમિયાન પણ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ૨૩ મેની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની અને અણધાર્યા વરસાદની વકી પણ સેવવામાં આવી છે.
ચોમાસા અને વાવાઝોડા અંગે અપડેટ
ચોમાસા અંગે વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ૧૫ મે બાદ સમુદ્રમાં સાનુકૂળ સ્થિતિ સર્જાશે. જૂનની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં મોટું ચક્રવાત સર્જાઈ શકે છે. આ વર્ષે અરબ સાગર પણ વધારે સક્રિય રહેવાનો છે, જેના કારણે ૨૦ જૂનની આસપાસ ત્યાં પણ વાવાઝોડું આવવાની શક્યતા છે. આંદામાન-નિકોબારમાં ૨૮ મે સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસ વિધિવત ચોમાસું બેસે તેવા સંકેતો મળી રહ્યા છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
