News of Saturday, 19th September 2026
અમદાવાદના રસ્તાઓ પર અજબ-ગજબ ખેલ: મેઘાણીનગર રૂટ પર એક જ નંબર પ્લેટવાળી બે AMTS બસો દોડતી પકડાઈ!
આરટીઓ નંબર ન મળતા કોન્ટ્રાક્ટરે બીજી બસની નંબર પ્લેટ નવી બસમાં લગાવી દીધી: AMTS એ ભૂલ સ્વીકારી એરો ઈગલ કંપનીને ફટકારી નોટિસ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની ઘોર બેદરકારી અને કાયદાના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર રૂટ પર એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બે જુદી જુદી ઈલેક્ટ્રિક AMTS બસો સામસામે રોડ પર દોડતી દેખાતા મુસાફરો અને સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ ગંભીર ગડબડ સામે આવ્યા બાદ AMTS તંત્ર દોડતું થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મેઘાણીનગર વિસ્તારમાં દોડતી આ બંને ઈ-બસો પૈકી એક બસ પર આરટીઓ માન્ય હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવાયેલી હતી, જ્યારે એ જ નંબર ધરાવતી બીજી બસ પર સાદી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. એક જ નંબરથી બે અલગ-અલગ બસો રોડ પર દોડાવવી એ માત્ર કાયદાકીય ગુનો નથી પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે.
કોન્ટ્રાક્ટરનો અનોખો ખુલાસો: દંડાત્મક કાર્યવાહી શરૂ
આ મામલે ગંભીરતા દાખવી AMTS એ ઈલેક્ટ્રિક બસ સંચાલક કોન્ટ્રાક્ટર 'એરો ઈગલ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ'ને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. કોન્ટ્રાક્ટરે લેખિત જવાબ આપતા સ્વીકાર્યું હતું કે, નવી બસ માટે RTO માંથી કાયદેસરની નંબર પ્લેટ મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. તેથી બસ બંધ રાખવાને બદલે અથવા તો ટેમ્પરરી નંબર પ્લેટ લગાવવાને બદલે તેમણે પોતાની જ બીજી બસની નંબર પ્લેટ નવી બસમાં લગાવીને રોડ પર ઉતારી દીધી હતી. હાલ AMTS સત્તાધીશો દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
