<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

અમદાવાદ-વીરમગામ ટ્રેક પર પાણી ભરાતાં ટ્રેનોના રૂટ ડાયવર્ટ : ભાવનગર મંડળની બે જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા અને ત્રણ એક્સપ્રેસ ટ્રેનો હવે સાબરમતીના બદલે ગાંધીગ્રામથી દોડશે

ભારે વરસાદના પગલે રેલ વ્યવહાર પ્રભાવિત થતાં કેટલીક ટ્રેનો પુનઃનિર્ધારિત કરાઈ, જ્યારે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની મુદતમાં ઓગસ્ટ અંત સુધીનો વધારો કરાયો

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા અમદાવાદ-વીરમગામ રેલખંડ વચ્ચે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે રેલ વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર (Reschedule) કરવાની સાથે તેમના માર્ગ પરિવર્તન (Diversion) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, મુસાફરોની સુવિધા અને વધારાના રશને પહોંચી વળવા માટે ભાવનગર મંડળમાંથી પસાર થતી બે જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે તેમજ ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરીને તેને ગાંધીગ્રામથી દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

 

 વરસાદના કારણે ટ્રેનોના સમય અને માર્ગમાં કરાયેલા ફેરફારો:

પાટા પર પાણી ભરાવાના કારણે ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ દોડનારી બાંદ્રા ટર્મિનસ – ભાવનગર (૧૨૯૭૧) ટ્રેન ૫ કલાક મોડેથી એટલે કે ૨૬ જુલાઈના રોજ રાત્રે ૦૦:૧૦ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ઉપરાંત ૨૦૯૦૨ વેરાવળ – સાબરમતી ટ્રેન ૬ કલાક ૩૦ મિનિટ મોડી રાત્રે ૨૧:૧૫ વાગ્યે પુનઃનિર્ધારિત કરવામાં આવી છે અને આ ટ્રેન વીરમગામ – મહેસાણા – સાબરમતી માર્ગ પરથી દોડશે.

માર્ગ પરિવર્તન કરાયેલી અન્ય ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

  બોટાદ – ગાંધીગ્રામ – અમદાવાદ માર્ગે દોડનારી ટ્રેનો:

   ૧૨૭૫૬ (ભાવનગર – કાકીનાડા), ૧૨૯૭૨ (ભાવનગર – બાંદ્રા ટર્મિનસ) અને ૨૨૯૯૦ (મહુવા – બાંદ્રા ટર્મિનસ).

  અમદાવાદ – ગાંધીગ્રામ – બોટાદ માર્ગે દોડનારી ટ્રેનો:

   ૧૨૯૭૧ (બાંદ્રા ટર્મિનસ – ભાવનગર) અને ૧૯૨૫૫ (સુરત – મહુવા).

 

મુસાફરોને પોતાની યાત્રા શરૂ કરતા પહેલા NTES એપ અથવા ૧૩૯ નંબર પર સંપર્ક કરીને ટ્રેનની વર્તમાન સ્થિતિ ચકાસી લેવા વિનંતી કરાઈ છે.

 

 બે જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો:

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અને મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ માહિતી આપતાં જણાવ્યું કે તહેવારો અને રજાના સમયગાળા દરમિયાન મુંબઈ તરફ જતા મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનોની મુદત લંબાવવામાં આવી છે:

૧. ભાવનગર ટર્મિનસ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (૦૯૨૦૮/૦૯૨૦૭):

ટ્રેન નં. ૦૯૨૦૮ હવે ૩૦ જુલાઈના બદલે ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અને વળતી ટ્રેન નં. ૦૯૨૦૭ હવે ૩૧ જુલાઈના બદલે ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી દોડશે.

૨. વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (૦૯૦૧૮/૦૯૦૧૭):

ટ્રેન નં. ૦૯૦૧૮ હવે ૨૭ જુલાઈના બદલે ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અને વળતી ટ્રેન નં. ૦૯૦૧૭ હવે ૨૬ જુલાઈના બદલે ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધી દોડશે.

 

 ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનો હવે સાબરમતીને બદલે ગાંધીગ્રામથી ચાલશે:

રેલવે બોર્ડની મંજૂરી બાદ સાબરમતીથી ઉપડતી ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોનું ટર્મિનલ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬થી તબક્કાવાર ગાંધીગ્રામ કરવામાં આવ્યું છે. આ તમામ ટ્રેનોને ચાંદખેડા રોડ (CDK) સ્ટેશન પર નવું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

  ગાંધીગ્રામ – જોધપુર – ગાંધીગ્રામ દૈનિક એક્સપ્રેસ (૧૪૮૨૨/૧૪૮૨૧):

   ૧૪૮૨૨ ગાંધીગ્રામથી ૨૭.૦૮.૨૦૨૬થી રોજ સવારે ૦૭.૦૦ વાગ્યે પ્રસ્થાન કરી ૧૮.૧૦ વાગ્યે જોધપુર પહોંચશે. વળતી ટ્રેન ૧૪૮૨૧ જોધપુરથી ૨૬.૦૮.૨૦૨૬થી રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઉપડી રાત્રે ૨૧.૦૦ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

  ગાંધીગ્રામ – આગરા કૅન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (૧૨૫૪૮/૧૨૫૪૭ - અઠવાડિયામાં ૪ દિવસ):

   ૧૨૫૪૮ ગાંધીગ્રામથી ૨૬.૦૮.૨૦૨૬થી સોમ, બુધ, ગુરુ અને રવિવારે સાંજે ૧૬.૪૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૦૭.૦૫ વાગ્યે આગરા પહોંચશે. વળતી ટ્રેન ૧૨૫૪૭ આગરા કૅન્ટથી ૨૫.૦૮.૨૦૨૬થી સોમ, મંગળ, ગુરુ અને શુક્રવારે રાત્રે ૨૨.૦૦ વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

  ગાંધીગ્રામ – ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૫૪૮/૨૨૫૪૭ - અઠવાડિયામાં ૩ દિવસ):

   ૨૨૫૪૮ ગાંધીગ્રામથી ૨૭.૦૮.૨૦૨૬થી મંગળ, શુક્ર અને શનિવારે સાંજે ૧૬.૪૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૦૯.૨૫ વાગ્યે ગ્વાલિયર પહોંચશે. વળતી ટ્રેન ૨૨૫૪૭ ગ્વાલિયરથી ૨૬.૦૮.૨૦૨૬થી બુધ, શનિ અને રવિવારે રાત્રે ૨૦.૧૦ વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

 

રેલવે પ્રશાસન દ્વારા PRS, NTES અને સ્ટેશન ડિસ્પ્લે સિસ્ટમમાં આ સુધારાઓ અપડેટ કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોને અગવડ ન પડે.

(8:03 PM IST)