<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

અમદાવાદ મનપાની ડીઝીટલ પહેલ : LogBook360 ક્યૂ સિસ્ટમથી મિલકત નામ ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવી

ઓનલાઈન સ્લોટ બુકિંગથી કતારો ટાળો. 63 સિવિક સેન્ટરોમાં થશે વિસ્તા: વેઇટિંગ એરિયામાં લાઈવ ડિસ્પ્લે અને પારદર્શક વહીવટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિક સેવાઓને વધુ સુવિધાજનક, પારદર્શક અને સમયબદ્ધ બનાવવાના હેતુથી ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં 'ડિજિટલ અને નાગરિકમૈત્રી અમદાવાદ'ના અભિગમને આગળ ધપાવતા, AMCએ મિલકત નામ ટ્રાન્સફર જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે 'LogBook360' સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમનો સફળતાપૂર્વક અમલ શરૂ કર્યો છે.

હાલમાં આ ડિજિટલ સ્માર્ટ સિસ્ટમ AMCની 7 ઝોનલ કચેરીઓમાં કાર્યરત કરવામાં આવી છે. આ સફળ પ્રયોગ બાદ હવે શહેરના તમામ નાગરિકોને ઘરની નજીક જ આધુનિક સુવિધા મળી રહે તે માટે આ સિસ્ટમને વધુ 63 સિવિક સેન્ટરો સુધી વિસ્તૃત કરવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

GlobalVoxના સહયોગથી વિકસાવવામાં આવેલી આ સિસ્ટમથી કચેરીઓ ખાતે નાગરિકોના કિંમતી સમયની બચત થઈ રહી છે.

ઓનલાઈન એપોઇન્ટમેન્ટ: નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ અગાઉથી ઓનલાઈન સમય સ્લોટ બુક કરી શકે છે અને નિયત સમયે આવી સેવા મેળવી શકે છે.

કિયોસ્ક ટોકન: પૂર્વ નોંધણી વગર સીધા આવતા નાગરિકો માટે કચેરીમાં કિયોસ્ક મારફતે તાત્કાલિક ડિજિટલ ટોકન મેળવવાની સુવિધા છે.

આધુનિક ફીચર્સ: સિસ્ટમમાં QR કોડ આધારિત ચેક-ઇન, ડિજિટલ ટોકન જનરેશન અને લાઈવ ક્યૂ ડિસ્પ્લે જેવી વિશેષતાઓ સામેલ છે.

ટોકન મેળવ્યા બાદ નાગરિકો વહીવટી પરિસરમાં આરામદાયક બેઠક વ્યવસ્થામાં બેસીને ડિજિટલ સ્ક્રીન પર પોતાના ટોકન નંબરની વર્તમાન સ્થિતિ જોઈ શકે છે. સંબંધિત કાઉન્ટર પરથી ઇલેક્ટ્રોનિક એનાઉન્સમેન્ટ થતાં જ સેવા માટે આગળ વધી શકાય છે. આ વ્યવસ્થાથી કચેરીઓમાં બિનજરૂરી ભીડ, અવ્યવસ્થા અને લાંબી લાઈનોનો અંત આવ્યો છે. સાથે જ ડિજિટલ રેકોર્ડિંગને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં નોંધપાત્ર વધારો થયો છે.

મિલકત નામ ટ્રાન્સફરમાં મળેલી સફળતા બાદ AMC દ્વારા આ સિસ્ટમનો વ્યાપ વધારવાનું વિચારાઈ રહ્યું છે. આગામી સમયમાં આરોગ્ય વિભાગ સંબંધિત સેવાઓ, જેમ કે યલો ફીવર વેક્સિનેશન અને બર્થ સર્ટિફિકેટને લગતી એપોઇન્ટમેન્ટ માટે પણ આ જ ડિજિટલ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

(1:08 AM IST)