News of Wednesday, 6th May 2026
અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ :વિવિધ એકમોની તપાસ કરી: એક મહિનામાં રૂ.11.61 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો
એક મહિનામાં કુલ 2,153 ખાદ્ય વ્યવસાય એકમોનું નિરીક્ષણ:ગંભીર બેદરકારી બદલ 498 એકમોને નોટિસ :તંત્રએ આશરે 1,015 કિલો ઘન ખોરાક અને 1,148 લિટર પ્રવાહી અસુરક્ષિત ખોરાકનો જથ્થો જપ્ત કરીને નાશ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિના દરમિયાન સમગ્ર શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલેલી આ ડ્રાઈવમાં ખાણી-પીણીના એકમોમાં તપાસ કરીને તંત્રએ 11.61 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, એક મહિનામાં કુલ 2,153 ખાદ્ય વ્યવસાય એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ગંભીર બેદરકારી બદલ 498 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ તપાસ દરમિયાન તંત્રએ આશરે 1,015 કિલો ઘન ખોરાક અને 1,148 લિટર પ્રવાહી અસુરક્ષિત ખોરાકનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે 367 પ્લેટ કાઉન્ટ પરીક્ષણો અને વિવિધ ખાદ્ય શ્રેણીઓમાંથી કુલ 933 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
તપાસમાં શહેરની કેટલીક જાણીતી રેસ્ટોરન્ટ્સમાં ગંભીર ગંદકી અને જંતુઓ જોવા મળ્યા હતા. 30 એપ્રિલના રોજ આંબાવાડી વિસ્તારમાં આવેલી બાર્બેક્યુ વર્લ્ડના રસોડામાં રેફ્રિજરેટરમાં જીવતા જંતુઓ મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. તેવી જ રીતે, 24 એપ્રિલના રોજ નવરંગપુરામાં RP's Pizzeria (ટેસ્ટી થ્રિલ્સ LLP) ના ડીપ ફ્રીઝરમાં જીવતા અને મૃત જંતુઓ મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નવરંગપુરાની પંજાબ દી મહક ને પણ જંતુઓ મળી આવતા સીલ કરવામાં આવી હતી
આરોગ્ય વિભાગની તપાસમાં ભેળસેળનો પણ મોટો ખુલાસો થયો છે. વસ્ત્રાલમાં ભૈરવનાથ પંજાબી તડકા અને સૈજપુરમાં શ્રી જલારામ પરોઠા હાઉસ માં અસલી પનીરને બદલે 'પનીર એનાલોગ' (નકલી પનીર) નો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત, નાના ચિલોડાની વ્રજ ડેરી પનીર એનાલોગ બનાવીને તેને અસલી પનીર તરીકે વેચતા પકડાઈ હતી. આ તમામ એકમો પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ નહોતા.
તંત્રએ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને ઠંડા પીણાં અને ડેરી પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લેવાયેલા નમૂનાઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
- દૂધ અને દૂધની બનાવટો: 133 નમૂના
- પનીર: 101 નમૂના
- ઠંડા પીણાં (લસ્સી, આઈસ્ક્રીમ, ગોળા): 74 નમૂના
- ફ્રૂટ જ્યુસ અને મિલ્કશેક: 45 નમૂના
- મસાલા: 96 નમૂના
- પાણીપુરી અને અન્ય નાસ્તો: 49 નમૂના
કુલ નમૂનાઓમાંથી 40 નમૂના હલકી ગુણવત્તાવાળા જાહેર થયા છે, જેમના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ લાયસન્સ અને સ્વચ્છતા અંગેની તપાસ ચાલુ રહેશે અને જે એકમો નિયમોનું પાલન નહીં કરે તેમની સામે FSSAI કાયદા હેઠળ કડક પગલાં લેવાશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
