<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

દિવાળી અને છઠ પૂજામાં અમદાવાદ ડિવિઝનનો વિક્રમ: ૬ જ દિવસમાં ૮.૨૦ લાખ મુસાફરોએ કરી સરળ સફર

ડીઆરએમ વેદ પ્રકાશે મોડી રાત્રે સ્ટેશને પહોંચી કરી વ્યવસ્થાઓની સમીક્ષા, ૭૩ ખાસ ટ્રેનો અને વોર રૂમથી ૨૪x૭ દેખરેખ

અમદાવાદ: દિવાળી અને છઠ પૂજાના પવિત્ર તહેવારો દરમિયાન મુસાફરોની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સલામત અને સુગમ મુસાફરી માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ ૧ થી ૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૮.૨૦ લાખથી વધુ મુસાફરોએ સફળતાપૂર્વક મુસાફરી કરી છે, જેમાં અનરિઝર્વ્ડ (UTS) ટિકિટ ધરાવતા ૪.૫૫ લાખ અને રિઝર્વ્ડ (PRS) ટિકિટ ધરાવતા ૩.૬૫ લાખ મુસાફરોનો સમાવેશ થાય છે. મુસાફરોની આ સુવિધા સુનિશ્ચિત કરવા માટે ડીઆરએમ શ્રી વેદ પ્રકાશે પોતે મોડી રાત્રે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ઉત્તર પ્રદેશ તેમજ બિહાર જતા શ્રદ્ધાળુઓ સાથે સીધો સંવાદ સાધી છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

તહેવારોની રશ પહોંચી વળવા અમદાવાદ ડિવિઝનથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યો માટે નવેમ્બર માસમાં કુલ ૭૩ ખાસ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ખાસ ટ્રેનો અમદાવાદ, સાબરમતી, અસારવા, ભુજ અને ગાંધીધામથી લખનૌ, કાનપુર, આગ્રા, મુંબઈ, પ્રયાગરાજ, મુઝફ્ફરપુર, દરભંગા, બરૌની અને હરિદ્વાર જેવા મુખ્ય શહેરોને સાંકળે છે. છ દિવસ દરમિયાન એકલા અમદાવાદ સ્ટેશનથી ૩.૨૦ લાખથી વધુ, સાબરમતીથી ૧.૩૦ લાખ અને અસારવાથી ૫૦,૦૦૦ મુસાફરોએ મુસાફરી નોંધાવી છે.

સ્ટેશનો પર ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે અમદાવાદ અને સાબરમતી ખાતે ખાસ હોલ્ડિંગ વિસ્તારો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં બેઠક, પીવાનું પાણી, પંખા અને સફાઈ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વર્ગના મુસાફરો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ના સહયોગથી ફૂડ પેકેટ, પાણી અને નાસ્તાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેટફોર્મ અને બ્રિજ પર ભીડ નિયંત્રણ માટે RPF, GRP અને ટિકિટ ચેકિંગ સ્ટાફ તૈનાત કરાયો છે, તેમજ સમગ્ર સ્ટેશન પરિસર પર CCTV મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તહેવારોમાં ટ્રેન કામગીરી અને મુસાફરોની અવરજવર પર સતત નજર રાખવા માટે DRM કાર્યાલય ખાતે સ્થિત કંટ્રોલ બિલ્ડિંગમાં એક સમર્પિત વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જે ૨૪x૭ ધોરણે રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરી રહ્યો છે. ડીઆરએમે કોઈ પણ અસુવિધા કે વધુ પડતી ભીડના કિસ્સામાં વોર રૂમ મારફતે તાત્કાલિક સંકલન કરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આગામી દિવસોમાં છઠ પૂજા પૂર્ણ થયા બાદ પરત ફરતા મુસાફરો માટે પણ રેલવે તંત્ર દ્વારા આવી જ સુદ્રઢ અને સજ્જડ આયોજનબદ્ધ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે.

(12:30 AM IST)