News of Thursday, 24th September 2026
સંગઠિત અપરાધ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય SOG અને દિલ્હી પોલીસનું મોટું ઓપરેશન : પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના માર્ગદર્શનમાં ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત શાર્પશૂટર આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની વેજલપુરથી ધરપકડ
હત્યાનો પ્રયાસ, ફાયરિંગ અને ખંડણી સહિત ૧૧થી વધુ જઘન્ય ગુનાઓમાં વોન્ટેડ આરિફ ઉર્ફે 'પિસ્તોલ' દુબઈ મારફતે ધમકીભર્યા કોલ્સ કરી ખંડણીનું રેકેટ ચલાવતો હતો : સતત સ્થળો બદલી બહુ-રાજ્ય ટ્રેકિંગથી બચતા હાઇ-પ્રોફાઇલ ફરાર આરોપીને ઝડપી લેવામાં મળી બમ્પર સફળતા

રાજકોટ: સંગઠિત અપરાધ અને ગેંગસ્ટરો સામેના એક મોટા સંયુક્ત પ્રહારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે હાથ ધરેલા એક ગુપ્ત ઓપરેશનમાં શહેરના વેજલપુર વિસ્તારમાંથી ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધડપકડ કરી છે. આ હાઇ-પ્રોફાઇલ ઓપરેશનમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમને બમ્પર સફળતા સાંપડી છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી આરિફ ઉર્ફે 'પિસ્તોલ' ગોલ્ડી બ્રાર ગેંગની સિન્ડિકેટ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશનલ કડી તરીકે કામ કરતો હતો. તે ગોલ્ડી બ્રાર વતી દુબઈ મારફતે વેપારીઓ અને અન્ય લોકોને ધમકીભર્યા કોલ્સ કરવા તેમજ મોટા પાયે ખંડણીનું રેકેટ ચલાવવામાં સક્રિયપણે મદદ કરતો હતો.
આરોપી સામે વિધિવત રીતે હત્યાનો પ્રયાસ, ફાયરિંગ અને ખંડણી સહિત ૧૧ થી વધુ જઘન્ય ગુનાઓ નોંધાયેલા છે અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. વિવિધ અધિકારક્ષેત્રોમાં ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશન દ્વારા આ હાઇ-પ્રોફાઇલ ફરાર આરોપીને આખરે જાળમાં ઝડપી લેવાયો હતો.
પોલીસ અને તપાસ એજન્સીઓના સતત બહુ-રાજ્ય ટ્રેકિંગ (Multi-State Tracking) થી બચવા માટે શંકાસ્પદ આરોપી આરિફ વારંવાર પોતાના રહેઠાણના સ્થળો બદલતો હતો અને પોતાની સાચી ઓળખ છુપાવીને આશરો લેતો હતો.
આ કુખ્યાત આરોપીની ધરપકડથી ગોલ્ડી બ્રાર ગેંગના નેટવર્કના ખંડણીના માર્ગોને તોડી પાડવામાં એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા મળી છે. હાલમાં તેના સ્થાનિક સાગરીતો, મદદગારો તથા નાણાકીય નેટવર્ક (ફંડિંગ સ્ત્રોત) નો પર્દાફાશ કરવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
