News of Sunday, 17th May 2026
અમદાવાદ :વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓની કાઉન્સિલિંગ ફીમાં કંપનીના કર્મચારીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
કંપનીના જ લાલચુ કર્મચારીએ કરી 10.83 લાખથી વધુની ઠગાઈ: વિદ્યાર્થીઓ પાસેથી વસૂલેલી ફી કંપનીના બદલે પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી

અમદાવાદ: શહેરમાંથી દર વર્ષે હજારો યુવાનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલીકવાર ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. શહેરમાં વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ઉચાપતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. એક નામાંકિત સંસ્થાની અંદર જ કામ કરતા જવાબદાર માણસે આ આખી છેતરપિંડી ને અંજામ આપ્યો છે. આ ઘટનાની વિગતો બહાર આવતા જ વિદેશ જવા માંગતા યુવા વર્ગમાં ભારે ચર્ચા જાગી છે.
આ આખી ઘટના વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા સાથે જોડાયેલી છે. ઓફિસમાં આવતા યુવાનોને એડમિશન માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. આ દરમિયાન આરોપી કર્મચારીએ કંપનીના સત્તાવાર નિયમોને નેવે મૂકી દીધા હતા. તેણે વિદ્યાર્થીઓનાં કાઉન્સિલિંગ અને માર્ગદર્શન આપવા માટેની ફી કંપનીના ખાતામાં જમા કરાવવાના બદલે, પોતાના વ્યક્તિગત એકાઉન્ટમાં જમા કરાવી લીધી હતી. આ રીતે તેણે સંસ્થા અને વિદ્યાર્થીઓ બંને સાથે વિશ્વાસઘાત કરીને ઠગાઈ આચરી છે.
આ ગેરકાનૂની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા આંકડા મુજબ, આરોપીએ કુલ 10,83,000 રૂપિયાની મોટી રકમ બારોબાર પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલેલી આ મોટી રકમ કંપની સુધી ક્યારેય પહોંચી જ ન હતી.
આ મસમોટી નાણાકીય ઉચાપત કરનાર મુખ્ય આરોપીની સત્તાવાર ઓળખ કરી લેવામાં આવી છે. જાણીતી ઓફિસ કેરિયર ક્રાફટ કન્સલ્ટ સાથે સંકળાયેલા રૂષિલ દીપક શાહ નામના કર્મચારીએ આ કૌભાંડને અંજામ આપ્યો છે. આ ગંભીર ગુના બદલ આરોપી કર્મચારી સામે ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાનિક પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
