News of Wednesday, 15th July 2026
રથયાત્રાના એક દિવસ પહેલાં પીએમ મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ પ્રસાદ મોકલી વર્ષોની પરંપરા જાળવી
પ્રસાદમાં મગ, જાંબુ, કાકડી, કેરી, અખરોટ તેમજ વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ સામેલ: દર વર્ષે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીને પ્રસાદ અર્પણ કરવાની પરંપરા વડાપ્રધાન સતત નિભાવી

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પૂર્વે સમગ્ર જગન્નાથ મંદિર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે. આ પવિત્ર અવસર પહેલાં વડાપ્રધાન મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી માટે વિશેષ પ્રસાદ મોકલી પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. વડાપ્રધાનની આ શ્રદ્ધા અને પરંપરા પ્રત્યેનો આદર ભક્તોમાં વિશેષ આસ્થાનો વિષય બન્યો છે.
રથયાત્રાના એક દિવસ પહેલાં વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસાદમાં ઋતુ અનુસારની વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મગ, જાંબુ, કાકડી, કેરી, અખરોટ તેમજ વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ સામેલ છે. દર વર્ષે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીને પ્રસાદ અર્પણ કરવાની પરંપરા વડાપ્રધાન સતત નિભાવી રહ્યા છે, જે તેમની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેના સન્માનને દર્શાવે છે.
વડાપ્રધાન મોદીનો અમદાવાદના જગન્નાથ મંદિર સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ રહ્યો છે. ભગવાન જગન્નાથજી પ્રત્યેની તેમની આસ્થા અનેક પ્રસંગોએ જોવા મળી છે. ખાસ કરીને રથયાત્રા દરમિયાન યોજાતી પરંપરાગત 'પહિંદ વિધિ'માં તેઓ અત્યાર સુધીમાં 13 વખત ભાગ લઈ ચૂક્યા છે, જે એક નોંધપાત્ર રેકોર્ડ માનવામાં આવે છે. સોનાના સાવરણાથી રથના માર્ગની સફાઈ કરવાની આ વિધિ ભગવાન પ્રત્યેની સેવા અને નમ્રતાનું પ્રતિક માનવામાં આવે છે.
149મી રથયાત્રાને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં ભક્તોની અવરજવર વધી ગઈ છે અને રથયાત્રાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
