<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રાજપીપળામાં અનેક જગ્યાઓ પર સરકારી જમીનો પર લારી મૂકી ભાડું કમાતા લોકો પર કાર્યવાહી કોણ કરશે..?

સરકારી જગ્યા રોકી લારી બંધ રાખ્યા બાદ કોઈ ભાડુઆત મળે તો ભાડે આપી તગડી કમાણી કરતા લોકો પર પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં જગ્યાનો અભાવ જણાય છે જેનું મુખ્ય કારણ અનેક જગ્યાઓ ઉપર લારી,ગલ્લા મૂકી તેને અન્ય વ્યક્તિઓને તગડા ભાડે આપી ભાડું વસુલતા લોકોના લારી ગલ્લા હટાવવા પાલિકા તંત્રએ ઝુંબેશ ચલાવવી જોઈએ.
   મળતી માહિતી મુજબ રાજપીપળાના ઘણા વિસ્તારોમાં પોતાની લારી કે ગલ્લા ગોઠવી દીધા બાદ થોડોક સમય બંધ રાખી આ લારી, ગલ્લા અન્ય જરૂરિયાતમંદને ધંધો કરવા ભાડે આપવાનું ષડયંત્ર લાંબા સમયથી ચાલી રહ્યુ છે,  જેમાં પાલિકા દ્વારા ચાલુ લારી, ગલ્લા વાળા પાસે અમુક મામુલી રકમ ભાડા પેટે લઈ તેની રીતસરની રશીદ અપાય છે ત્યારે ત્યાં ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિઓને તો લારી, ગલ્લા માલિકને તગડું ભાડું આપવું ઘણું મોંઘું પડે છે. તો પોતે ધંધો નહીં કરી માત્ર ભાડાની તગડી કમાણી માટે સરકારી જગ્યાઓ રોકનાર આવા વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી જરૂરી જણાય છે, આ ભાડાનો ધંધો કરનાર અમુક ચોક્કસ વ્યક્તિઓ ને શોધી પાલિકા તંત્ર તેમના આવા કારનામા બંધ કરાવે તો અન્ય લોકોને ભાડું ચૂકવ્યા વિના ધંધો કરવાનો લાભ મળે. નહીં તો લારી , ગલ્લા ભાડે લઈ આ કારમી મોંઘવારીમાં આર્થિક નુકશાન ભોગવતા ગરીબ લોકો ક્યારેક પરિવારનું ગુજરાન ચલાવી નહીં શકે

(10:18 PM IST)