News of Thursday, 18th June 2026
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથેની મારપીટ કેસમાં આરોપી મહિલા PSI ના પતિના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી
આરોપીએ પોતાની પત્ની PSI સોનલ રાઠોડ હોવાનો રોફ જમાવી પોલીસ (112) ને બોલાવી વેપારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા:દિવ્યાંગ વેપારીને પોલીસ સ્ટેશનમાં જ બેરહેમીથી માર મરાયો હતો

અમદાવાદમાં ચકચાર જગાવનાર પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથેની મારપીટ અને ગેરવર્તણૂકના કેસમાં મહત્વના વળાંક સાથે કાયદાનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે. સેશન્સ કોર્ટે આરોપી મહિલા PSI ના પતિના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે.
નોંધનીય છે કે, આ પ્રકરણમાં પીડિત વેપારી ગોપાલભાઈ દરજીની ફરિયાદના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડેડ મહિલા PSI સોનલ રાઠોડ અને તેમના પતિ વિરુદ્ધ ગેરવર્તણૂક, ધમકી અને શારીરિક હુમલાનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, પંચવટી સર્કલ પાસે પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજી પોતાની કેબિન પર હતા, ત્યારે એક બાળકે વેફર્સનું પેકેટ લેતા વેપારીએ તેને અજાણતા પકડી લીધો હતો. આ સામાન્ય બાબતમાં બાળકના પિતાએ ત્યાં આવીને ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીએ પોતાની પત્ની PSI સોનલ રાઠોડ હોવાનો રોફ જમાવી પોલીસ (112) ને બોલાવી હતી અને વેપારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ કેસમાં દિવ્યાંગ વેપારીને પોલીસ સ્ટેશનમાં જ બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં મહિલા PSI પોતાની ભૂલનો સ્વીકાર કરતા અને સમાધાન માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ ગંભીર આક્ષેપો અને પોલીસની વર્દીનો દુરુપયોગ કરવાના મામલે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હાલ આ મામલે કાયદાકીય તપાસ ચાલી રહી છે, ત્યારે જામીન અરજી નામંજૂર થતા આરોપી પતિની મુશ્કેલીઓ વધી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
