તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી
મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળ જાહેર કર્યો, ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે ?તાત્કાલિક નિર્ણય લેવામાં નહિ આવે, તો આમ આદમી પાર્ટી આંદોલન શરૂ કરશે

રાજકોટ તા.૨૬ : મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળ જાહેર કર્યો, ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે? આ સવાલ સાથે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો.
આ પત્રમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ખેડૂતો ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ પડ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં મગફળી સહિતના પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનત તથા મૂડી બંને જોખમમાં મુકાઈ છે.
એક તરફ મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર અંગે નિર્ણય લઈ ખેડૂતોને રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. સવાલ એ છે કે મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળ જાહેર કર્યો, તો ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે? અમારી માંગ છે કે ગુજરાત સરકારે રાજકીય વિલંબ કર્યા વિના અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરાવી વાસ્તવિક પરિસ્થિતિના આધારે દુષ્કાળ જાહેર કરવો જોઈએ.
ખેડૂતોની મુશ્કેલી માત્ર પાક નુકસાન પૂરતી મર્યાદિત નથી. પાક નિષ્ફળ જવાથી ખેતમજૂરો, ભાગિયાઓ અને ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોની રોજગારી પર પર સીધી અસર પડે છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે: અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. પાત્ર ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરવામાં આવે. પશુધન માટે પૂરતો ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે. ખેતમજૂરો, ભાગિયાઓ અને શ્રમિકો માટે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી સહાયની અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અસરગ્રસ્ત ગામોમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.
’આપ' નેતા ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો માટે નિર્ણય લેવામાં જેટલો વિલંબ થશે, તેટલી તેમની મુશ્કેલી વધતી જશે. સરકાર પાસે વહીવટી તંત્ર અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે, તેથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે. અતઃ આપને વિનંતી છે કે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતો, ખેતમજૂરો તથા પશુપાલકો માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરો.
જો સરકાર દ્વારા ખેડૂતોની આ ગંભીર માંગ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહિ આવે, તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં લોકશાહી ઢબે આગામી તબક્કાનું આંદોલન શરૂ કરશે. આશા છે કે આપ ગુજરાતના ખેડૂતોના હિતમાં તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેશો.તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
