News of Thursday, 4th June 2026
બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર ગામમાં નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી પીવા ગયેલો એક યુવક ડૂબ્યો
ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકને બચાવવા માટે કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે શોધખોળ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી એક અત્યંત કરુણ અને ચિંતાજનક ઘટના સામે આવી છે.રાણકપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક અચાનક ડૂબી ગયો હોવાના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, શિહોરી ગામના વતની ગલબાજી ઠાકોર નામના યુવક કેનાલમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવક કેનાલના કિનારે પાણી પીવા માટે ગયો હતો, તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો અને યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં કેનાલ પર દોડી આવ્યા હતા.
આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકને બચાવવા માટે કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે, કલાકોની સખત જહેમત અને લાંબી શોધખોળ બાદ પણ હજુ સુધી ડૂબેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. યુવક ન મળતા પરિવારમાં ભારે આક્રંદ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
