<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ડીસા-થરાદ હાઈવે પર પોલીસ અને કારચાલક વચ્ચે 'ચોર-પોલીસ' જેવો ફિલ્મી દ્રશ્યો સર્જાયા : પોલીસથી બચવા બેફામ કાર દોડાવી

આગથળા પોલીસ ચેકિંગ દરમિયાન કારચાલકે હાઈવે ગજવ્યો: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની કારનો વીડિયો વાયરલ: થરાદના સોહિલ ઘાંચી વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશને નોંધાયો ગુનો

વાવ-થરાદના મુખ્ય માર્ગો પર ફરી એકવાર બેફામ ડ્રાઈવીંગના દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસા-થરાદ હાઈવે પર આગથળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન એક કારચાલકે પોલીસ કાર્યવાહીથી બચવા માટે જે પ્રકારે વાહન હંકાર્યું તેનાથી હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આગથળા નજીક પોલીસની ટીમ રૂટિન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ હતી. આ કારની કાચ પર બ્લેક ફિલ્મ લગાવાયેલી હતી અને તેના પર કોઈ નંબર પ્લેટ પણ નહોતી. પોલીસે કારચાલકને ઉભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ કાયદાનો ભય રાખ્યા વગર ચાલકે કારની ગતિ વધારી દીધી હતી

પોલીસથી બચવા માટે કારચાલકે હાઈવે પર ખતરનાક રીતે ઓવરટેકિંગ કરીને ફિલ્મી ઢબે ગાડી ભગાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કારચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

આ ઘટના બાદ હરકતમાં આવેલી આગથળા પોલીસે તપાસ તેજ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ કાર થરાદનો સોહિલ ઘાંચી નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપી સોહિલ ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાએ હાઈવે પર સુરક્ષા અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામેના પોલીસ અભિયાન પર ફરી પ્રશ્નો ઉભા કર્યા છે

(8:56 PM IST)