News of Sunday, 4th October 2026
ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક રતનપુરના ખજૂરી પાસે કેમિકલ ટ્રકમાં અચાનક ભીષણ આગ: ડ્રાઈવરનું કરૂણમોત :ક્લીનરનો આબાદ બચાવ
ટ્રકમાં લાગેલી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું: આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા

અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રતનપુરના ખજૂરી નજીક કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે પસાર થઈ રહેલા કેમિકલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં કેમિકલ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું સામે આવ્યું છે. ટ્રકમાં લાગેલી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઈવરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આગની તીવ્રતા વચ્ચે ડ્રાઈવર બહાર નીકળી શક્યો ન હતો. બીજી તરફ ટ્રકના ક્લીનરનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કેમિકલ ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. આગની ઘટના બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રકમાં કયા પ્રકારનું કેમિકલ હતું અને આગ કેવી રીતે શરૂ થઈ તેની વિગતો પણ તપાસ બાદ સામે આવી શકે છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
