News of Sunday, 26th July 2026
કારગીલ વિજય દિન નિમિત્તે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો : મોટા વરાછામાં ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો
સુદામા ચોક નજીક રામ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું : વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમની અનોખી ઉજવણી કરાઈ

સુરત:કારગીલ વિજય દિવસના ગૌરવપૂર્ણ અવસર પર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામ ચોક ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટા વરાછામાં સુદામા ચોક નજીક આવેલા રામ ચોક ખાતે દેશની શાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક સમો ૧૦૦ ફૂટ ઊંચો ભવ્ય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે રવિવારની સવારે મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રધ્વજારોહણ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ:
કાર્યક્રમ દરમિયાન ૧૦૦ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું રોહણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર અમર વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ રામ ચોક ખાતે તિરંગાની શાનને વધુ બુલંદ કરવાનો અને ભારત માતાના ગૌરવને વધારવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
રાષ્ટ્રધ્વજ એ દેશપ્રેમ અને શૌર્યનું જીવંત પ્રતીક - નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી:
સમારોહને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ૧૦૦ ફૂટ ઊંચા તિરંગાની સ્થાપના એ માત્ર એક ધ્વજ લહેરાવવાની ઘટના નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ગૌરવશાળી ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ પહેલ સમગ્ર વિસ્તાર માટે અત્યંત ગૌરવની ક્ષણ છે, જે આવનારી પેઢીઓને હંમેશા દેશભક્તિની પ્રેરણા આપતી રહેશે. તેમણે કારગીલ વિજય દિવસના પાવન પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ:
આ રાષ્ટ્રીય ગૌરવ સમાન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, એલ. એચ. ઝાલા, રાજદીપસિંહ નકુમ, કાનજીભાઈ ભાલાળા તેમજ મોટા વરાછા સ્થિત સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
