News of Wednesday, 15th July 2026
ઘોર બેદરકારીનો નાદાર નમૂનો :પાલનપુરમાં એક મહિના પહેલા લાખોના ખર્ચે બનેલો રોડ ખોદી લાખો રૂપિયાનો ધુમાડો કરાયો
ખુદ નગરપાલિકા કચેરીના 200 મીટર વિસ્તારમાં જ એક માસ પૂર્વે પાલીકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ તોડી દેવાયો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે વધુ એક વખત લાખો રૂપિયાનો ધુમાડો થયો છે. આ વખતે ખુદ પાલિકા કચેરીના જ 200 મીટર વિસ્તારમાં એક માસ પૂર્વે પાલિકા કચેરીને જોડતો એક રોડ બન્યો અને 1 માસમાં જ આ રોડ ખોદી લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો. પરંતુ દુઃખ એ કે આ વખતે પણ પાલિકાના અધિકારીએ જીયુડીસીની કામગીરી માટે જીયુડીસીએ રોડ ખોદી દીધો હોવાનું કહી તપાસના દાવાઓ કરી દીધા.પરંતુ તપાસ કરવી જ હતી તો રોડ તોડ્યો ત્યાં સુધી કેમ ન થઇ તે એક મોટો સવાલ છે...
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રોડ બને અને એ બાદ પાઇપલાઇન નાખવાને બહાને ફરી રોડ તોડી દેવાય આ પાલિકાની એક પેટર્ન બની ગઈ છે. થોડા સમય અગાઉ જ શહેરના કોઝી વિસ્તારમાં એક રોડ બન્યો હતો અને તે બાદ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાને બહાને ગણતરીના દિવસોમાં જ રોડ તોડી દેવાયો હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે શહેરના એક વિસ્તારની વાત નથી. અનેક વિસ્તારમાં આવું બનતું જ રહ્યું છે. પરંતુ આ વખતે જે બાબત સામે આવી એ કદાચ પાલિકા માટે શરમજનક બાબત છે. કારણકે શહેરનું સંચાલન કરતી ખુદ નગરપાલિકા કચેરીના 200 મીટર વિસ્તારમાં જ એક માસ પૂર્વે પાલીકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ તોડી દેવાયો છે.
શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારથી નગરપાલિકાને જોડતો રોડ એક માસ પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બનાવવામાં આવ્યો હતો. જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી સ્થાનિકો આ તૂટેલા રોડને લઈ હાલાકી ભોગવી રહ્યા હતા અને તેવામાં આ રોડ નવો બનતા સ્થાનિકોને હાસકારો અનુભવાયો હતો પરંતુ થયું એવું કે આ રોડ બન્યાને એક માસ પણ ન થયું અને ફરી આ રોડ ઉપર જેસીબી ફરી વળ્યું. સરકારના લાખો રૂપિયા ખર્ચાયા બાદ એક માસમાં જ આ લાખો રૂપિયાનો ધુમાડો થતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જોકે એક માસ પૂર્વે રોડ બન્યો અને તે બાદ 10 દિવસ પહેલા આ રોડ ખોદી એક પાઇપલાઇન નંખાઈ ગઈ અને ફરી આ નવા ખોદેલા રોડ ઉપર માટી નાખી દેવામાં આવી. નગરપાલિકાને જોડતો મુખ્ય રોડ હોવા છતાં પાલિકા આ સ્થિતિથી અજાણ હોય તેવા નાટક જોવા મળ્યા. જોકે એક માસ પૂર્વે બનેલો રોડ તૂટ્યો તો કેમ તે જાણવા પાલિકાના મુખ્ય અધિકારી પાસે પહોંચ્યા. તો સાહેબે તો કહી દીધું કે, રોડ જીયુડીસી વાળાઓએ પાણીની પાઇપ લાઇન માટે તોડી નાખ્યો છે. તો સાહેબ રોડ બનાવતા પહેલા જીયુડીસી અને પાલિકા વચ્ચે સંકલન નહોતું થયું. શું પાલનપુર નગરપાલિકા અને જીયુડીસી વચ્ચે સંકલન નો અભાવ છે. તો સાહેબે કહી દીધું કે અમે જીયુડીસીને પૂછ્યું હતું પણ એમને આવી કોઈ પાઇપલાઇન નાખવાની જાણ ન હતી કરી. તો રોડ બન્યા બાદ એકાએક જીયુડીસીને કેમ પાઇપ લાઇન નાખવાનું યાદ આવ્યું સવાલ અનેક થઈ રહ્યા છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે ઉલ્લેખનીય બાબત એ છે કે રોડ તૂટયા ને 10-10 દિવસ વીતી ગયા તેમ છતાં ઘોર નિંદ્રામાં રહેલી પાલિકા દ્વારા રોડ ખોદનાર જીયુડીસી સામે કોઈ કાર્યવાહી કે તપાસ ન થઇ પરંતુ પાલિકાના સીઓ સાહેબ હવે ટીવી 13ના સવાલોથી ઘેરાયા બાદ હવે સાહેબે આ રોડ જીયુડીસીએ પાણીની પાઇપલાઇન માટે ખોદી દીધો હોવાનું કહી હવે મોડે મોડે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાના દાવાઓ કરી દીધા.
ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યારે સંસ્થા કોઈ ભૂલ કરે કે બેદરકારી દાખવે તો તેની સામે અવાજ ઉઠાવવાનું કામ એ વિપક્ષનું હોય છે.પરંતુ આ રોડ બાબતે વિપક્ષે પણ અત્યાર સુધી કોઈ અવાજ ઉઠાવ્યો હોવાનું જાણવા નથી મળ્યું. પરંતુ હવે વિપક્ષના આગેવાન પણ સામે આવ્યા છે. અને તેમને કહ્યું છે કે આ બેદરકારી પાલિકાના ચીફ ઓફિસરની છે.ચીફ ઓફિસર એ પોતાના ખિસ્સાના પૈસે આ રોડ નવો બનાવવો પડશે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
