<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નવસારીના સાંઢકુવા વિસ્તાર નજીક રવિ કિરણ એપાર્ટમેન્ટની ગેલેરીનો મોટો હિસ્સો ધડાકાભેર તૂટી પડતાં ભયનો માહોલ

એપાર્ટમેન્ટના રહીશો તેમજ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ:મહાનગરપાલિકાનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી

નવસારી :શહેરના વ્યસ્ત ગણાતા સાંઢકુવા વિસ્તાર નજીક આવેલા રવિ કિરણ એપાર્ટમેન્ટની ગેલેરી અચાનક તૂટી પડતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી અને તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.

 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિ કિરણ એપાર્ટમેન્ટના એક માળની ગેલેરીનો મોટો હિસ્સો અચાનક ભારે અવાજ સાથે નીચે ખાબક્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશો તેમજ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

આ દુર્ઘટના અંગે એક મહત્વનો ખુલાસો પણ સામે આવ્યો છે કે આ ઇમારત ઘણી જર્જરિત થઈ ચૂકી હતી. નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ રવિ કિરણ એપાર્ટમેન્ટના રહીશોને અગાઉથી જ મનપા તંત્ર દ્વારા 'ભયજનક ઇમારત' હોવાની સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય મરામત કે તકેદારીના અભાવે આખરે આજે વહેલી સવારે આ ગેલેરી તૂટી પડી હતી.

(1:34 PM IST)