News of Wednesday, 13th May 2026
પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ પાસે ભંગારના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
જૂના વાહનો, ટાયર, પ્લાસ્ટિક અને ઓઈલના ડ્રમમાં લાગેલી આગ વિકરાળ બની; સમી-પાટણથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી, પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ, લાખોનું નુકસાન થવાની ભીતિ છતાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

પાટણ, તા. 13 : પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શું છે ઘટના?
મળતી માહિતી મુજબ સમીના બાસ્પા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં પડેલા જૂના વાહનો, કબાડ, પ્લાસ્ટિક, ટાયર અને ઓઈલના ડ્રમ હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટો અને ધુમાડો દૂર સુધી દેખાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
તંત્ર દોડતું થયું
ઘટનાની જાણ થતાં જ સમી અને પાટણથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. ઓઈલના ડ્રમ અને જ્વલનશીલ પદાર્થોના કારણે આગ બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે.
મોટું નુકસાન થવાની ભીતિ
પ્રાથમિક માહિતી મુજબ આગમાં મોટી સંખ્યામાં ભંગારના વાહનો, લોખંડનો કબાડ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાથી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
