<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સુરતના ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો: ૮ મહિલાઓ સહિત ૨૦ પકડાયા, પાસો ફેંકી રમાતી હતી અનોખી ડ્રિંકિંગ ગેમ!

મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં આવેલા યુવક-યુવતીઓ વચ્ચે દારૂ પીવા માટે લુડો અને કાર્ડ રૂલેટ જેવી વિદેશી ક્લબ કલ્ચર ગેમ્સનું કરાયું હતું આયોજન, રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ.

સુરત: સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાંથી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ૧૪મી ઓગસ્ટની મોડી રાત્રે બર્થ ડે સેલિબ્રેશનના નામે ચાલી રહેલી આ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને ૮ મહિલાઓ સહિત કુલ ૨૦ શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ મહેફિલમાં દારૂ પીવા-પીવડાવવા માટે ખાસ લુડો બોર્ડ અને કાર્ડ રૂલેટ જેવી હાઈટેક ગેમ્સ રમાડવામાં આવતી હતી. લુડોના બોર્ડ પર પાસો ફેંકીને કોણ કેટલો દારૂ પીશે તે નક્કી થતું હતું, જેમાં ‘શોર્ટ ડ્રિંક’, ‘લેડીઝ ડ્રિંક’ અને ‘એવરીવન ડ્રિંક’ જેવા ટાસ્ક લખેલા હતા. આ ઉપરાંત પત્તા ખેંચીને દારૂ પીવા કે અન્યને પીવડાવવાના નિયમો બનાવી વિદેશી ક્લબ કલ્ચરની તર્જ પર આખી પાર્ટીનું આયોજન કરાયું હતું.

દરોડા દરમિયાન પોલીસે ફાર્મ હાઉસ બહાર દારૂની બોટલો સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો હતો. ડુમસ પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કિંમતી લક્ઝરી વાહનો મળીને કુલ રૂ. ૧ કરોડથી વધુનો તોતિંગ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફાર્મ હાઉસના માલિક તેમજ આયોજકો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(7:31 PM IST)