News of Monday, 20th April 2026
મહેસાણામાં ૮૦૦૦ ભક્તો દ્વારા મા ઉમિયાની ભવ્ય મહાઆરતી
સનાતન ધર્મની રક્ષા માટે ઐતિહાસિક પહેલઃ ૧૦૦૦ ગામ અને સોસાયટીમાં આરતીનું આયોજન

રાજકોટઃ સનાતન ધર્મની જાગૃતિ અને એકતા માટે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામ દ્વારા મહેસાણા ખાતે ઐતિહાસિક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦૦૦ થી વધુ ઉમા ભક્તોએ જગતજનની મા ઉમિયાની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. પી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ગુજરાતના ૧૦૦૦ થી વધુ ગામો અને સોસાયટીઓમાં દર શનિવારે સામૂહિક આરતીની શરૂઆત કરવામાં આવી છે. મહા આરતી બાદ ૫૦૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વિશ્વ ઉમિયા ધામ દ્વારા સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાના એક ભવ્ય ઉદ્દેશ્ય સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે દર શનિવારે સનાતન આરતીનું આયોજન કરાય છે. મહા આરતી સમયે મહેસાણા શહેરનું સમગ્ર પરિસર ઉમા ભક્તિમાં લીન થઈ ગયું હતું અને માતા-બહેનોના 'બોલ મારી મા ઉમિયા મા' ના ગગનભેદી નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.
શ્રી આર. પી. પટેલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અન્ય તમામ ધર્મોમાં અઠવાડિયાનો એક દિવસ પોતાની આસ્થા અને ઇષ્ટદેવ માટે નક્કી કરાયેલો છે, ત્યારે સનાતન ધર્મમાં પણ ભક્તિ માટે એક વિશેષ દિવસ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. આ વિચારને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હનુમાનજી મહારાજ અને માતાજીના વાર એવા શનિવારના રોજ દરેક ગામ અને સોસાયટીમાં આરતીનું આયોજન કરી સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાનો આ એક પ્રામાણિક પ્રયત્ન થઈ રહ્યો છે. તેમના આહ્વાનથી પ્રેરિત થઈને અત્યારે ગુજરાત રાજ્યના લગભગ ૧૦૦૦ થી વધારે ગામ અને સોસાયટીઓમાં દર શનિવારે સામૂહિક આરતી કરવામાં આવે છે. અંતમાં, તેમણે સમગ્ર રાજ્યના સનાતનીઓને ભાવભર્યું આહ્વાન કર્યું હતું કે, દર શનિવારે આપ જે પણ ઇષ્ટદેવમાં માનતા હો, તેમની સોસાયટી અને ગામમાં સામૂહિક આરતી કરી આપણી આવનારી પેઢીને એક ઉજ્જવળ અને સંસ્કારી ભવિષ્ય પ્રદાન કરીએ
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
