<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ

મતદાન કેન્દ્રની બહાર ટેબલ પર કોંગ્રેસી કાર્યકરો ખેસ પહેરીને બેસતાં ભાજપ યુવા મોરચાના ઋત્વિક પુરોહિતે વિરોધ નોંધાવ્યો:પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના ખેસ હટાવ્યા:કોંગ્રેસે પણ ભાજપ પર સામો આરોપ લગાવ્યો

વડોદરા:શહેરની ચર્ચિત માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મતદાન પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન જ મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તીખી બોલાચાલી અને માથાકૂટ સર્જાતા વાતાવરણ તંગ બની ગયું હતું.

 મળતી વિગતો અનુસાર, માંજલપુર બેઠકના એક મતદાન કેન્દ્રની બહાર કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના ટેબલ પર કોંગ્રેસના પક્ષીય ખેસ પહેરીને બેઠા હતા. ચૂંટણી આચારસંહિતા અને નિયમો અનુસાર મતદાન કેન્દ્રની ચોક્કસ ત્રિજ્યામાં પક્ષીય પ્રતીક કે ખેસનો પ્રચાર કરી શકાતો નથી. કોંગ્રેસી કાર્યકરોને ખેસ સાથે જોઈને ત્યાં હાજર ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિતે આ બાબતે સખત વાંધો ઉઠાવી વિરોધ દર્શાવ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તકરાર વધતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મામલો વધુ બિચકે તે પહેલાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરોના ટેબલ પરથી તેમજ તેમના ગળામાંથી પક્ષના ખેસ તાત્કાલિક હટાવી દીધા હતા અને શાંતિ જાળવવા કડક સૂચના આપી હતી.

બીજી તરફ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરોએ પણ ભાજપ પર સામા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો પણ પોતાના ખેસ પહેરીને ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સામસામેના આરોપ-પ્રત્યારોપથી થોડા સમય માટે મતદાન મથક બહાર વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાતા સીનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું દુઃખદ નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ ભારતના ચૂંટણી પંચ દ્વારા અહીં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ભાજપનો ગઢ ગણાતી હોવાથી સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી પરિણામો પર ટકેલી છે.

આ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપ તરફથી સતીષ પટેલ અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી ચૂંટણી મેદાનમાં છે. બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં પૂરજોશ લગાવવામાં આવ્યો હતો અને હવે મતદારો કોના પક્ષમાં નિર્ણય આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વડોદરા ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ પણ પોતાનો કિંમતી મત આપ્યો હતો. તેમણે માંજલપુર ગામ ખાતે આવેલી પવિત્ર કુબેરેશ્વર શાળામાં બનેલા મતદાન મથક પર પહોંચીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. તેમણે વડોદરાના તમામ મતદારોને વધુને વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી

(12:59 PM IST)