તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
વડોદરાના નગરવાડા બ્રિજના બાંધકામ સ્થળ નજીક વિશ્વામિત્રી નદીમાંથી 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ, કામદારોમાં ફફડાટ
વન વિભાગની ટીમે સમયસર પહોંચી મગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યો, વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા બ્રિજના કામ દરમિયાન મગર દેખાતા મચી દોડધામ

વડોદરા તા.૨૦ : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે નગરવાડા બ્રિજના ચાલી રહેલા બાંધકામ સ્થળ નજીકથી આજે 20 મેના રોજ લગભગ 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગર દેખાતા જ બાંધકામ સ્થળ પર કામ કરતા શ્રમિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, નગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પર નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આજે સવારે કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે નદી કિનારે એક વિશાળકાય મગર દેખાયો હતો. મગરને જોતા જ કામદારોએ તાત્કાલિક કામ બંધ કરી દીધું હતું અને વન વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ વડોદરા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ લગભગ 7 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી પાંજરે પૂર્યો હતો. ત્યારબાદ મગરને શહેરથી દૂર સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે અને ચોમાસા દરમિયાન તેમજ ઉનાળામાં પાણીની શોધમાં મગરો વારંવાર નદી કિનારાના વિસ્તારોમાં આવી ચડતા હોય છે. નગરવાડા બ્રિજના બાંધકામના કારણે નદી કિનારાના વિસ્તારમાં માનવીય પ્રવૃત્તિ વધી હોવાથી મગરો સાથે સામનો થવાની ઘટનાઓ બની રહી છે.
વન વિભાગની અપીલ
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વિશ્વામિત્રી નદી કિનારાના વિસ્તારમાં અવર-જવર કરતી વખતે સાવચેતી રાખવી. મગર દેખાય તો તેને છંછેડવો નહીં અને તાત્કાલિક વન વિભાગની હેલ્પલાઈન અથવા 1926 પર જાણ કરવી. બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
