News of Monday, 19th October 2026
૮૪૪ કરોડનું બોગસ દાનઃ ૨૫૦ કરોડની ટેક્સ ચોરી
‘આમ જનમત પાર્ટી'ના અધ્યક્ષ, ખજાનચી પકડાયા : CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પર્દાફાશ, બન્ને આરોપી ૫ દિવસના રિમાન્ડ પર

અમદાવાદ તા.૧૯: રાજકીય પક્ષના નામે બોગસ ડોનેશન બતાવી સરકારી તિજોરીને રૂ. ૨૫૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના ચર્ચાસસ્પદ કૌભાંડમાં સી.આઈ.ડી. ક્રાઈમ (ઈકોનોમિક ઓફેન્સ વિગ)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સીઆઈડી ક્રાઈમે ‘આમ જનમત પાર્ટી'ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય ખજાનચીની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.બી. પરમારે આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. નોંધનીય છે કે, આઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલિટિકલ પાર્ટીના નામે કરદાતાઓ પાસેથી ડોનેશન મેળવી કમિશન કાપી રોકડ રકમ પરત આપવાનું કારસો હતો.
આવકવેરા વિભાગ (ઇનકમ ટેક્સ)ના આસિસ્ટન્ટ કમિશનર કિરિટકુમાર મૂળજીભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ એક સુઆયોજિત ષડયંત્ર રચીને ‘આમ જનમત પાર્ટી'ના બેંક ખાતાઓમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ રૂ. ૮૪૩,૯૭,૪૩,૭૯૩ (રૂ. ૮૪૩.૯૭ કરોડ)ના નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા. રાજકીય પક્ષોને મળતા દાન પર આવકવેરા અધિનિયમની કલમ ૮૦ઞ્ઞ્ઘ્ હેઠળ કરમુક્તિ (Tax Exemption)નો લાભ મળતો હોવાનો ગેરફાયદો ઊઠાવી, કરદાતાઓ પાસેથી દાન સ્વરૂપે નાણાં મેળવી કાગળ પર એન્ટ્રીઓ દર્શાવવામાં આવતી હતી. આ દાનની રકમમાંથી પોતાનું કમિશન કાપીને બાકીના નાણાં હવાલા અને આંગડિયા મારફતે કરદાતાઓને રોકડા પરત આપી દેવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડ થકી સરકારી તિજોરીને અંદાજે રૂ. ૨૫૦ કરોડ જેટલી મોટી રકમનું સીધું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ દ્વારા તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ કેસના મુખ્ય બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી જેમાં ગૌરવ યોગેન્દ્રભાઈ મિશ્રા (રાષ્ટ્રીય અધ્યક્ષ, આમ જનમત પાર્ટી - રહે. નરોડા, અમદાવાદ) અને ધર્મેન્દ્ર જીવનપ્રકાશ વૈષ્ણવ (રાષ્ટ્રીય ખજાનચી, આમ જનમત પાર્ટી - રહે. કઠવાડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બેંક ખાતામાં આવેલી દાનની રકમ માન્ય દેખાડવા માટે પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝિસ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝિસ જેવી બનાવટી સંસ્થાઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી, માલસામાન કે સેવાઓની ખરીદી દર્શાવતા બોગસ બિલ અને રેકોર્ડ્સ તૈયાર કરવામાં આવતા હતા.
બાદમાં આ નાણાં રોકડા ઉપાડી લેવામાં આવતા હતા. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રૂ. ૮૪૩.૯૭ કરોડનું દાન આપનારા કરદાતાઓ, કંપનીઓ અને દાનની તારીખો અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવીની છે, દાનની રસીદો બનાવવા માટે વપરાતા ajpahd.in પોર્ટલના આઈડી-પાસવર્ડ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે વપરાતા OTP/IP એડ્રેસ મેળવવાના છે.
રિમાન્ડ અંગે રજૂઆત કરતા સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી પણ રજૂઆત કરી છે કે, આમ જનમત પાર્ટીના અન્ય હોદ્દેદાર અમિત વ્યાસ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), વિજયસિહ પરમાર (નેશનલ સેક્રેટરી) અને કુવરસિહ કુશ્વાહ(નેશનલ પ્રેસિડેન્ટ લેબર વીંગ) છે તેમણે આ મામલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, આરોપીઓએ રાજસ્થાનમાં જઇ પ્રવાસ કરી ત્યાં પણ વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરી છે તેથી ત્યાં પણ આ પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિ ચલાવી છે કે નહીં તે અંગે તપાસ કરવી જરૂરી છે. સાથે સાથે પક્ષની સ્થાપના, નોંધણી, બેંક ખાતાઓનું સંચાલન, દાતાઓ સાથેનો સંપર્ક અન્ય મારફેત પૈસાની હેરફેર અંગે પણ તપાસ કરવી જરૂરી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
