News of Tuesday, 1st September 2026
કાયદો સર્વોપરી, કોઈ કાયદાથી ઉપર નથી’: ચૈતર વસાવાને હાઈકોર્ટનો વધુ એક ઝટકો, પેરોલ અરજી પાછી ખેંચવી પડી
સાત વર્ષની સજા સામે રાહતનો રસ્તો કઠિન: ચૈતર વસાવાની પેરોલને જામીન અરજીમાં ફેરવવાની માગ હાઈકોર્ટે નકારી વનકર્મી હુમલા-ખંડણી કેસમાં જેલમાં ચૈતર વસાવા: હાઈકોર્ટમાંથી ફરી નિરાશા, હવે સર્વોચ્ચ અદાલતનો વિકલ્પ ખુલ્લો

અમદાવાદ : દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ફરી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સાત વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા વસાવાએ હાઈકોર્ટમાં પેરોલ માટે કરેલી અરજીને જામીન અરજીમાં તબદીલ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ હાઈકોર્ટે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે વસાવાની તરફથી પેરોલ અરજી પાછી ખેંચવામાં આવી હતી.
આ કેસનો સંબંધ વર્ષ ૨૦૨૩ના ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન બનેલી વન વિભાગના કર્મચારી પર હુમલો, સરકારી કામગીરીમાં અડચણ, હવામાં ગોળીબાર અને ખંડણીના આરોપો સાથે છે. રાજપીપળાની નર્મદા સેશન્સ કોર્ટે તા. ૨૩ જૂન ૨૦૨૬ના રોજ ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને દોષિત ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
આ સજા સામે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં સજા સ્થગિત રાખવા અને જામીન મેળવવા અરજી કરી હતી. હાઈકોર્ટે અગાઉ આ અરજી નકારી કાઢતાં નોંધ્યું હતું કે લોકપ્રતિનિધિને આવા ગંભીર કેસમાં રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે. અદાલતે ‘કાયદો સર્વોપરી છે અને કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી’ તેવો સ્પષ્ટ અભિગમ દર્શાવ્યો હતો.
ત્યારબાદ વસાવાએ પેરોલનો માર્ગ અપનાવ્યો હતો. અગાઉ આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પંદર દિવસના પેરોલની માગ સાથે અરજી કરવામાં આવી હોવાનું નોંધાયું હતું. જોકે હવે પેરોલ અરજીને જામીન અરજીમાં ફેરવવાની માગ પણ હાઈકોર્ટે સ્વીકારી નથી. વસાવા હાલ વડોદરા જેલમાં છે. હાઈકોર્ટમાંથી સજા સામે તાત્કાલિક રાહત ન મળતાં તેમની કાનૂની લડાઈ હવે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચે તેવી શક્યતા છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
