News of Saturday, 22nd August 2026
શ્રી હરિકોટાની જેમ કોડીનારમાં સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવા તૈયારી
ગુજરાત સેમિકન્ડક્ટર સેક્ટરની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં હરણફાળ ભરી રહ્યું છે, તેમ હવે સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે આગામી દશકામાં દેશનું સર્વોચ્ચ રાજ્ય બનશે : આધુનિક લોન્ચિંગ સ્ટેશન માટે ગીર સોમનાથ જિલ્લામાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ

અમદાવાદ તા.૨૨: ગુજરાત સેમિકન્ડક્ટર સેક્ટરની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં હરણફાળ ભરી રહ્યું છે, તેમ હવે સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે આગામી દશકામાં દેશનું સર્વોચ્ચ રાજ્ય બને એ માટે જાહેર કરાયેલી સ્પેસ ટેક અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને પગલે રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં ભારત સરકાર, સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્રોલોજી તેમજ ઇસરો, રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતના કોડીનાર ખાતે એક નવું સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવાની તૈયારીઓ શરૂ થઇ છે.
હાલ દેશમાં આંધ્ર પ્રદેશ રાજ્યમાં પુલકીટ નજીક આવેલું ગામ શ્રીહરિકોટા ઇસરોના સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતું છે. જે એક ટાપુ પર વસેલું છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર આવેલું છે, જ્યાંથી ભારતે પોતાનાં ઘણાં ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં છે. શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે આવેલી છે. જોકે, અહીંથી અવકાશમાં છોડવામાં આવતા ઉપગ્રહો સીધા જ અવકાશમાં જતાં નથી, તેના ભૌગોલિક સ્થાનના કારણે તેને કર્વ લઇને પછી અવકાશ તરફ ગતિ કરવી પડે છે, આને કારણે લોન્ચિંગ રોકેટને વધારે પાવરની જરૂર રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી ઇસરો દ્વારા દેશના જુદા જુદા લોકેશનો માટે શોધખોળ કરવામાં આવતી હતી, એમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતેનું લોકેશન યોગ્ય જણાયું છે. આ વ્યૂહાત્મક લોકેશન સંદર્ભે હવે લોન્ચિંગ સ્ટેશન માટે આવશ્યક જમીનને સંપાદન કરવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે.
દરમિયાન, શુક્રવારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬'નો આરંભ કરાવ્યો હતો. ૨૩ ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ'ને કેન્દ્રમાં રાખીને ફેસ્ટનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલમાં રાજ્યભરમાંથી અંદાજિત ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા છે. અહીં ઇસરોના Space Applications Centre (SAC) અને Gujarat State Electronics Mission (GSEM) તેમજ રાજ્ય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે ૫૦ સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સના સંયુક્ત સહયોગથી વિજ્ઞાન પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસએસીના વડા વી.એન. રાવ, પીઆરએલના વડા અનીલ ભારદ્વાજે સંબોધન કર્યું હતું. જીએસઇએમના મિશન ડિરેક્ટર નેહાકુમારીએ સમગ્ર ફેસ્ટની રૂપરેખા રજૂ કરી હતી.
આ પ્રસંગે વિજ્ઞાનમંત્રી મોઢવાડિયાએ સ્પેસ, એઆઇ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના રોકાણકારો, સાહસિકોની ઉપસ્થિતિમાં સંકેત આપ્યો હતો કે, ગુજરાત આજે સ્પેસ ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. અમદાવાદમાં ‘ઇન-સ્પેસ'નું હેડક્વાટર આવેલું છે, જ્યારે કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
આ અવસરે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીની ઉપસ્થિતિમાં ઞ્લ્ચ્પ્ અને ફખ્પ્વ્ચ્ઘ્ વચ્ચે સ્પેસ ટેક, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના MoU કરવામાં આવ્યા હતા તેમજ ૨૦ જેટલાં સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ફેસ્ટિવલ દરમિયાન સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, પ્લેનેટેરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, હેન્ડ્સઓન વર્કશોપ, વિજ્ઞાન વ્યાખ્યાન, સ્પેસ ક્વિઝ, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન સહિતનાં આયોજન કરવામાં આવ્યાં છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
