News of Saturday, 8th August 2026
યુ.એન. મહેતા હોસ્પિટલમાં બાળ અપહરણની આશંકાથી ભારે દોડધામ: પિંક એલર્ટ જાહેર કરાયું, પણ સત્ય બહાર આવતાં સ્ટાફે રાહતનો શ્વાસ લીધો
ચાર મહિનાનું હૃદયરોગ પીડિત બાળક અચાનક ગાયબ થતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું; નિયમોથી અજાણ માતા-પિતા હોસ્પિટલને કહ્યા વગર જ ઘરે ભાગી ગયા હોવાનો ખુલાસો!

અમદાવાદ : શહેરની પ્રખ્યાત યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે સવારે અચાનક ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલ વોર્ડમાંથી માત્ર ચાર મહિનાનું માસૂમ બાળક અચાનક ગૂમ થઈ જતાં તબીબો અને સ્ટાફના જીવ અધ્ધર થઈ ગયા હતા. રૂટિન ચેકઅપ માટે પહોંચેલા સ્ટાફે બાળકને ગાયબ જોતાં જ તુરંત હોસ્પિટલ મેનેજમેન્ટને જાણ કરી હતી, જેના પગલે સમગ્ર કેમ્પસમાં ઈમરજન્સી સર્જાઈ ગઈ હતી.
બાળકની સલામતી માટે હોસ્પિટલ પ્રશાસને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત 'પિંક એલર્ટ' જારી કરી દીધું હતું. સિક્યોરિટી સ્ટાફે હોસ્પિટલના તમામ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બંધ કરી દીધા હતા અને સમગ્ર પરિસરમાં સઘન શોધખોળ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ બાળક કે તેના માતા-પિતાની કોઈ જ ભાળ ન મળતાં ચિંતા વધી ગઈ હતી. આખરે હોસ્પિટલ સ્ટાફે ભારે મથામણ બાદ બાળકના એક સંબંધીનો ફોન નંબર શોધીને સંપર્ક સાધ્યો ત્યારે આખી ઘટના પાછળનું અસલી સત્ય સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરથી હૃદયની ગંભીર બીમારીની સારવાર માટે લાવવામાં આવેલા આ બાળકના માતા-પિતા જ તેને હોસ્પિટલમાંથી લઈ ગયા હતા. સિનિયર ડોક્ટરે બાળકના પિતા સાથે વાતચીત કરતાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ પોતાની બે નાની દીકરીઓને ઘરે એકલી મૂકીને આવ્યા હોવાથી તેમની ચિંતામાં ઉતાવળે નીકળી ગયા હતા. ડિસ્ચાર્જ લીધા વિના કે સ્ટાફને જણાવ્યા વગર જવાય નહીં તેવા હોસ્પિટલના નિયમોથી તેઓ તદ્દન અજાણ હતા.
માતા-પિતાની આ અજ્ઞાનતા અને નાદાનીને કારણે આખી હોસ્પિટલમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બાળકના પિતાએ દીકરીઓની યોગ્ય વ્યવસ્થા કરીને તુરંત હોસ્પિટલ પરત ફરવાની ખાતરી આપી હતી. હોસ્પિટલના તબીબોએ બાળકની હૃદયની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક પરત લાવીને સારવાર પૂર્ણ કરવા માટે ખાસ સલાહ આપી હતી. સ્ટાફની સમયસૂચકતા અને પિંક એલર્ટ પ્રોટોકોલથી બાળકની સલામતી સુનિશ્ચિત થઈ શકી હતી.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
