તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Friday, 7th August 2026
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરે અને વચેટિયા ભાવસિંહ ઝાલા ACBની ટ્રેપમાં ઝડપાયા : રૂ. ૩૬,૦૦૦ ની લાંચ લેતા વિજય ચાર રસ્તા પાસેથી ACB એ પકડી પાડ્યા
એફએસઓ પાસે ૬ બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરાવવા માટે માંગી હતી લાંચ : વડોદરા એસીબી ઈન્ચાર્જ નાયબ નિયામક બળદેવ દેસાઈ અને મદદનીશ નિયામક બી.એમ. પટેલ માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.એન. પ્રજાપતિની સફળ ટ્રેપ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ મોટી કાર્યવાહી કરીને ક્લાસ-૧ અધિકારી સહિત બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર (વર્ગ-૧) ૪૭ વર્ષીય અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને ખાનગી વ્યક્તિ (પ્રજાજન) ૩૧ વર્ષીય ભાવસિંહ પ્રતાપભાઇ ઝાલા સામે એસીબી દ્વારા કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે જેઓ ફાયર સેફ્ટી ઓફિસર (એફએસઓ) તરીકે કામ કરે છે અને અમદાવાદ શહેરની વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને લગતી સેવાઓ પૂરી પાડે છે. ફરિયાદીએ અમદાવાદ શહેરની કુલ ૬ બિલ્ડિંગોની એન.ઓ.સી. ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી હતી. આ એન.ઓ.સી. મંજૂર કરાવવાના બદલામાં આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દીઠ રૂ. ૬,૦૦૦ લેખે કુલ રૂ. ૩૬,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તા. ૦૭/૦૮/૨૦૨૬ ના રોજ બે સરકારી પંચોની હાજરીમાં ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમનગર વિસ્તારમાં આવેલા યશ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર વિજય ચાર રસ્તા ખાતે આરોપી ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩૬,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.
ટ્રેપ દરમિયાન આરોપી ભાવસિંહ ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને ફોન કરતાં તેમણે પણ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ અંગે સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આથી ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલાએ લાંચની માંગણી કરી સ્વીકારી એકબીજાને ગુનામાં મદદગારી કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સ્પષ્ટ થતાં બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ સમગ્ર ટ્રેપ કામગીરી વડોદરા રેન્જના ઈન્ચાર્જ નાયબ નિયામક આઈપીએસ બળદેવ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા એકમના મદદનીશ નિયામક બી.એમ. પટેલની દેખરેખમાં ટ્રેપિંગ અધિકારી અને વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
