<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

અરવલ્લી પોલીસની માનવતાભરી પહેલ: "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવીને મૂળ માલિકોને કરોડોની મિલ્કત પરત અપાઈ

મોડાસા ટાઉન પોલીસે 2 પરિવારોને રાહત આપી. ₹19 લાખની લોન સામે ₹91 લાખ વ્યાજ વસૂલી, હજુ ₹1.15 કરોડની માંગણી કરતા બે વ્યાજખોરોની ધરપકડ. દબાણમાં લખાવેલા પ્રોપર્ટીના દસ્તાવેજો રદ કરીને મિલ્કત મૂળ હકદારોને સોંપી

મોડાસા, અરવલ્લી, તા. 05 : અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડિત નાગરિકોને રાહત આપવા માટે ચલાવવામાં આવતા "તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત મોડાસા ટાઉન પોલીસે મોટી સફળતા મેળવી છે.

રાજ્યના DGP અને ગાંધીનગર રેન્જ IGP વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી SP  મનોહરસિંહ જાડેજા તથા ડીવાયએસપી જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરીના કેસોમાં સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

            ફરિયાદી વિશ્વજભાઈ ઓધવજીભાઈ જાતે, રહે. સબલપુર, તા. મોડાસા, નિકુલભાઈ સાંકળભાઈ રબારી, રહે. જનસુરા, તા. ધનસુરા ઉપરોક્ત બંને ફરિયાદીઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે બે વ્યાજખોરોએ તેમની પાસેથી ₹19,00,000 ની રકમ વ્યાજે આપી હતી. જેના બદલામાં અત્યાર સુધીમાં ફરિયાદીઓ પાસેથી ₹91,00,000 જેટલું વ્યાજ બળજબરીપૂર્વક વસૂલી લેવામાં આવ્યું છે. આમ છતાં આરોપીઓ હજુ પણ ₹1,15,00,000 એટલે કે એક કરોડ પંદર લાખ રૂપિયાની અવાર-નવાર માંગણી કરી રહ્યા હતા.

 

આરોપીઓએ ફરિયાદીઓની મિલ્કત અને તેમના સગા-સંબંધીઓના નામે પ્રોપર્ટીના દસ્તાવેજો પણ પોતાના નામે કરાવી લીધા હતા. પૈસા ન આપે તો જાનથી મારી નાખવા અને હાથ-પગ તોડી નાખવાની ધમકીઓ પણ આપતા હતા

ફરિયાદના આધારે મોડાસા ટાઉન પો.સ્ટે. ના પી.એસ.આઈ  આર.ડી. ચૌધરીએ તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા.

પોલીસની મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું. જેના ભાગરૂપે આરોપીઓ દ્વારા દબાણ કરીને લખાવી લેવામાં આવેલી તમામ મિલ્કતના દસ્તાવેજો રદ કરવામાં આવ્યા. અને તે મિલ્કત કાયદેસર રીતે ફરી એકવાર મૂળ માલિકોને "તેરા તુજકો અર્પણ" હેઠળ પરત સોંપવામાં આવી.

અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી બે પરિવારોને વ્યાજખોરોના શોષણમાંથી મુક્તિ મળી છે અને તેમની કરોડોની મિલ્કત ફરી પાછી મળી છે.

 

(4:44 PM IST)