<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વડોદરા પાસે વહેલી સવારે કાળમુખો અકસ્માત : હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ લકઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં પાંચથી વધુ મુસાફરોના કરુણ મોત : મૃત્યુઆંક વધવાની આશંકા : જુઓ વિડિયો

રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી બસ જરોદ અને કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતનો ભોગ બની : એનડીઆરએફની ટીમે કટર મશીન વડે પતરાં કાપી મૃતદેહો બહાર કાઢ્યા, ૨૬ ગંભીર ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા

 વડોદરા:  હાલોલથી વડોદરા તરફ આવતા હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડમાં ઉભેલી એક ભારે લોડેડ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરના કારણે બસમાં સવાર પાંચથી વધુ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સિવાય અન્ય ૨૬ જેટલા મુસાફરોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડી રહ્યા છે.

 

ઘોર નિંદ્રામાં નડ્યો કાળ: સ્થાનિકો દોડ્યા:

અકસ્માતનો ભોગ બનેલી ટૂરિસ્ટ લકઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી ઉપડીને સુરત તરફ જઈ રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી બસમાં સવાર તમામ મુસાફરો ઘોર નિંદ્રામાં હતા, ત્યારે જ વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ અને જરોદ પાસે ઉભેલી લોડેડ ટ્રકની પાછળ બસ અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ગંભીર અને પ્રચંડ હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

 

કેબિન ટ્રકમાં ઘૂસી ગયું: જેસીબી અને કટરની મદદ લેવાઈ

ટ્રક અને બસ વચ્ચેની આ ટક્કરમાં લકઝરી બસના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને આખેઆખું ડ્રાઈવર કેબિન ટ્રકની અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતની તીવ્રતા જોતા તાત્કાલિક બચાવ કામગીરી માટે એનડીઆરએફ (NDRF) ની ટીમની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે જેસીબી (JCB) મશીન બોલાવીને લકઝરી બસને ટ્રકથી અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ એનડીઆરએફના જવાનોએ કટર મશીનની મદદથી બસના પતરાં કાપીને અંદર ફસાયેલા મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.

 

સયાજી હોસ્પિટલમાં સારવાર: મૃત્યુઆંક વધવાની આશંકા:

અકસ્માતમાં ભોગ બનેલા તમામ ૨૬ જેટલા ગંભીર ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ પૈકી વધુ એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા આ અકસ્માતમાં થયેલા કુલ સત્તાવાર મૃત્યુઆંક અંગે હજી સુધી કોઈ આખરી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતા મૃત્યુઆંક હજી વધે તેવી આશંકા સેવાઈ રહી છે.

(3:40 PM IST)