<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે 11 જૂન 2026 ગુરૂવારથી વહેલું પાણી છોડવામાં આવશે

નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને મુખ્યમંત્રીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ : ઉચ્ચસ્તરીય બેઠકમાં પાણીના જથ્થાની સમીક્ષા કરી આયોજન કરતાં વહેલું સિંચાઈનું પાણી છોડવા અધિકારીઓને દિશા નિર્દેશ : ખેડૂતોને ખરીફ પાક માટે સમયસર પાણી મળશે

ગાંધીનગર, તા. 9 :મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ  મૂકેશ પૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા શ્રી રાબડીયા, ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી ભગદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 PM IST)