News of Saturday, 6th June 2026
ખેડાના મહીજ ગામમાં જમીન અંગે સબ રજિસ્ટ્રાર સામે ગેરરીતિનો આક્ષેપ: જીપીએસ લોકેશન અને અન્ય જમીનના ફોટા રજૂ કરી દસ્તાવેજ નોંધાયો !!
કોર્ટ કેસ હોવા છતાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીનના સોદામાં સબ રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા શંકાના દાયરામાં :અરજદારે પ્રાંત અધિકારીને રજૂઆત કરી કડક તપાસની માંગ કરી અન્યથા મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી

ખેડા જિલ્લાના મહીજ ગામમાં જમીન વેચાણના એક ગંભીર મામલાએ સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. મહીજ ગામના બ્લોક નંબર 526 ની જમીનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અરજદાર જુનેદખાન પઠાણે સબ રજિસ્ટ્રાર કચેરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. અરજદારનો આરોપ છે કે, જે જમીન હાલમાં કોર્ટમાં તકરારી છે અને જેનો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે, તે જમીનના વેચાણ દસ્તાવેજમાં ગેરરીતિ આચરવામાં આવી છે.
જુનેદખાન પઠાણે ખેડા પ્રાંત અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જમીન સોદામાં છેતરપિંડી આચરવા માટે તંત્રની આંખમાં ધૂળ નાખવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી સમયે જે જમીનનું વેચાણ કરવાનું હતું, તેના બદલે અન્ય કોઈ જમીનના ખોટા ફોટોગ્રાફ્સ અને જીપીએસ (GPS) લોકેશન રજૂ કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીનના સોદામાં સબ રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા શંકાના દાયરામાં છે.
અરજદારે આ સમગ્ર પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જ્યાં સુધી આ જમીન સોદાની ગેરરીતિ અને તેની સાથે જોડાયેલી એન્ટ્રીઓ અંગે યોગ્ય ન્યાયિક નિર્ણય ન આવે, ત્યાં સુધી કોઈપણ પ્રકારની વહીવટી કાર્યવાહી સ્થગિત રાખવી જોઈએ.
આ મામલે તંત્ર દ્વારા તટસ્થ અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય તે અત્યંત જરૂરી છે, જેથી સરકારી દસ્તાવેજોની વિશ્વસનીયતા જળવાઈ રહે. અરજદારે ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમગ્ર વિવાદમાં ન્યાયિક નિર્ણય લેવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં આ મામલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી રજૂઆત કરવામાં આવશે. હાલ તો આ કથિત જમીન વિવાદે ખેડા જિલ્લાના મહેસૂલી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
