News of Tuesday, 7th April 2026
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ‘ઓક્સિજન પાર્ક’ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો: જાળવણીના અભાવે વેરાન
મિયાવાકી’ પદ્ધતિથી રોપવામાં આવેલા અંદાજે 88,000 વૃક્ષોમાંથી 50 ટકાથી વધુ વૃક્ષો પાણીના અભાવે સુકાઈ ગયા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પર્યાવરણની જાળવણી અને લોકોને શુદ્ધ હવા મળે તેવા ઉમદા હેતુથી તૈયાર કરાયેલ ‘ઓક્સિજન પાર્ક’ આજે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો છે. દેશના ગૃહમંત્રી દ્વારા જેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે પાર્ક હવે જાળવણીના અભાવે વેરાન બની રહ્યો છે. PPP મોડલ હેઠળ કાર્યરત કંપનીની સમયમર્યાદા પૂર્ણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગે આ પાર્કને ભગવાન ભરોસે છોડી દીધો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.
‘મિયાવાકી’ પદ્ધતિથી રોપવામાં આવેલા અંદાજે 88,000 વૃક્ષોમાંથી 50 ટકાથી વધુ વૃક્ષો પાણીના અભાવે સુકાઈ ગયા છે. આટલું જ નહીં, સ્થાનિક સ્તરે એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે સુકાયેલા વૃક્ષોને કાપીને ત્યાં જ ચૂલા સળગાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદે પાણીના કનેક્શન અને સફાઈના અભાવે બાળકો માટેના સાધનો પણ ભંગારમાં ફેરવાઈ રહ્યા છે.
એક તરફ ‘મિશન મિલિયન ટ્રી’ જેવા અભિયાનો પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ તૈયાર થયેલા પાર્કની આવી દયનીય સ્થિતિ તંત્રની પોકળ વાતોની ચાડી ખાય છે. પ્રવેશદ્વાર પર તાળા હોવાથી નાગરિકો સુવિધાથી વંચિત છે, જે AMCની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
