News of Sunday, 15th March 2026
દાહોદના અભલોડ ગામે મહાદેવ મંદિરે માળી સમાજના અભિષેક કાર્યક્રમમાં મધમાખીઓનો હુમલો :એકનું મોત :આઠ લોકો ઘાયલ
પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે DJના અવાજને કારણે મધમાખીઓ ઉડી :ઈજાગ્રસ્તો સારવાર હેઠળ: મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

દાહોદ નજીક આવેલ અભલોડ ગામે શ્રદ્ધા અને ભક્તિનો માહોલ પળભરમાં શોકમાં ફેરવાઈ ગઈ છે. અહીં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મધમાખીઓએ અચાનક હુમલો કરતા 8 જેટલા લોકો ગંભીર રીતે ઈજાઓને ભોગ બનતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એકાએક થયેલા મધમાખીના હુમલાથી ભક્તિનો માહોલ થોડી જ પળોમાં માતમમાં ફેરવાઈ ગયો છે. પરિવારે આ મામલે DJ સામે આંગળી ચીંધી છે.
મળતી માહિતી મુજબ દાહોદ પાસેના અભલોડ ગામે આવેલા પ્રાચીન મહાદેવ મંદિર ખાતે માળી સમાજ દ્વારા ભગવાન શિવના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચનામાં મગ્ન હતા. આ દરમિયાન અચાનક હવામાં મધમાખીઓના ઝુંડ ઉડી આવ્યા હતા અને હાજર લોકોને ડંખ મારવાનું શરુ કર્યું હતુ. આ અચાનક થયેલા હુમલાને કારણે મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.
મધમાખીઓના ઝેરી ડંખને કારણે આઠ જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાઓનો ભોગ બન્યા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં બાબુ ધોળાભાઈ માળી નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દોડતું થયું હતું
પરિવારજનો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંદિરે અભિષેક દરમિયાન DJ વગાડવામાં આવી રહ્યું હતું. મધમાખીઓ DJના તીવ્ર અવાજ અને ધ્રુજારીને કારણે છંછેડાઈ હોય અને બાદમાં ટોળા પર હુમલો કર્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
