તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Saturday, 14th March 2026
સુરતમાં લોકોના જીવ સાથે ખેલતો 'મુન્નાભાઈ' ઝડપાયો: ધોરણ 10 નાપાસ શખ્સ 'આશા ક્લિનિક' ખોલી બેઠો હતો, પોલીસના દરોડામાં પર્દાફાશ!
ડિગ્રીના નામે મીંડું છતાં એલોપેથીક સારવારનો દબદબો: વાંઝ ગામના આકાશ કોમ્પ્લેક્સમાં ચાલતી હાડવૈદગીનો અંત; સચિન પોલીસે પશ્ચિમ બંગાળના ઠગ તબીબને મેડિકલ સાધનો સાથે દબોચી લીધો.

સુરત: હીરાનગરી સુરતના સચિન વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક 'ઝોલાછાપ' તબીબનો સચિન પોલીસે પર્દાફાશ કર્યો છે. વાંઝ ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર 'આશા ક્લિનિક' નામે દવાખાનું ચલાવી રહેલા એક શખ્સને પોલીસે મેડિકલ ટીમ સાથે રાખી દરોડો પાડી ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, જે શખ્સ ડોક્ટર બનીને લોકોના ઈલાજ કરતો હતો, તે પોતે ધોરણ ૧૦ પણ પાસ કરી શક્યો નથી.
સચિન પોલીસનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંઝ ગામના આકાશ કોમ્પ્લેક્સમાં એક શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ શખ્સ એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનોનો બેરોકટોક ઉપયોગ કરી ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો, જેનાથી દર્દીઓની જિંદગી જોખમાય તેવી પૂરી શક્યતા હતી.
૧૦ નાપાસ છતાં એલોપેથીકનો 'એક્સપર્ટ'!
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ક્લિનિક ચલાવતો ૪૦ વર્ષીય સંજીત નિલકોમલ વિશ્વાસ માત્ર ધોરણ ૧૦ નાપાસ છે. તેની પાસે તબીબી સારવાર માટેનું કોઈ જ્ઞાન કે કાયદેસરની ડિગ્રી નહોતી. તેમ છતાં, પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો આ વતની છેલ્લા કેટલાક સમયથી સુરતના નિર્દોષ અને અભણ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યો હતો.
દવાઓ અને સાધનોનો જથ્થો જપ્ત
પોલીસે જ્યારે મેડિકલ ઓફિસરોની ટીમ સાથે ક્લિનિક પર છાપો માર્યો, ત્યારે ત્યાંથી મોટી માત્રામાં એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને તબીબી સાધનો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી સંજીત વિશ્વાસની ધરપકડ કરી છે. સચિન પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં છુપાઈને પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે લાલ આંખ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
