News of Saturday, 7th March 2026
બરોડા ડેરીનો ચૂંટણી જંગ જામ્યો: 9 બેઠકો પર ફોર્મ પરત ખેંચાતા ઉમેદવારો બિનહરીફ, હવે માત્ર 4 ઝોનમાં ખેલાશે ખરાખરીનો જંગ!
ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 14 ઉમેદવારો મેદાન છોડતા રાજકીય ગરમાવો; હિતેશ પટેલ અને પાર્થિવ પટેલ વચ્ચે વડોદરા ઝોનમાં થશે સીધી ટક્કર

વડોદરા : સહકારી ક્ષેત્રના દિગ્ગજ ગણાતી બરોડા ડેરીના ડિરેક્ટર મંડળની ચૂંટણીમાં આજે મોટો વળાંક આવ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે રાજકીય ખેંચતાણ અને સમજાવટના દોર બાદ કુલ 14 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. આ પ્રક્રિયા બાદ ડેરીની 9 બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 4 બેઠકો પર હવે કાંટાની ટક્કર જોવા મળશે.
ક્યાં જામશે ખરો મુકાબલો?
હવે માત્ર 4 ઝોનમાં 8 ઉમેદવારો વચ્ચે સીધી લડાઈ થશે, જેના કારણે સહકારી રાજકારણ તેજ બન્યું છે:
• વડોદરા ઝોન: અહીં હિતેશ પટેલ અને પાર્થિવ પટેલ સામસામે ટકરાશે.
• ડેસર ઝોન: કુલદીપસિંહ રાઉલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે જંગ ખેલાશે.
• ડભોઈ ઝોન: વર્તમાન ડિરેક્ટર દીક્ષિત પટેલ સામે પ્રહલાદભાઈ પટેલ મેદાનમાં છે.
• પાવી જેતપુર ઝોન: રણજીતસિંહ રાઠવા અને ગેમલ રાઠવા વચ્ચે સીધો મુકાબલો થશે.
સતીશ પટેલ સહિત 9 દિગ્ગજો બિનહરીફ
ચૂંટણીના આ જંગમાં કરજણ ઝોનમાંથી પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ બિનહરીફ જાહેર થયા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. આ ઉપરાંત ડેસર વિસ્તારમાંથી જ્યોતીન્દ્રસિંહ પરમાર અને સંખેડા બેઠક પરથી રમેશભાઈ બારીયા પણ બિનહરીફ જાહેર થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. કુલ 14 ઉમેદવારોએ મેદાન છોડતા હવે ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે.
સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો
બરોડા ડેરીની ચૂંટણી પશુપાલકો અને સહકારી ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આગામી દિવસોમાં હવે બાકીની 4 બેઠકો માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે અને પ્રચાર તેજ કરશે. ડેરીના વહીવટ પર કોનું વર્ચસ્વ રહેશે તે જોવા માટે સમગ્ર વડોદરા જિલ્લાની નજર આ 4 બેઠકોના પરિણામો પર ટકેલી રહેશે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
