તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
નવી ૧૫૦ દવાઓને આવશ્યક દવાઓ ગણવાનો નિર્ણય આવકાર્યઃ અનિલ પટેલ
સરકારી હોસ્પિટલોમાં ૧૪૭૯ પ્રકારની દવાઓ વિનામૂલ્યે

રાજકોટ, તા.૭: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક દવાઓની યાદીમાં ૧૫૦ નવી દવાઓના વધારાના નિર્ણયને આવકારતા પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ.અનિલભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો મંત્ર ગામ, ગરીબ, ખેડૂત અને મધ્યમવર્ગના લોકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દરિદ્રનારાયણની સેવાને પ્રાથમિકતા આપતી સરકાર છે.
ડૉ.અનિલભાઈ પટેલે જણાવ્યું છે કે, ૧૫૦ નવી દવાઓનો ઉમેરો કરવાથી હવે રાજ્યમાં કુલ ૧,૪૭૯ જેટલી ગુણવત્તાયુક્ત દવાઓ અને સર્જિકલ આઈટમ્સ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. ગુજરાતમાં બે વર્ષ પહેલાં ૭૧૭ જેટલી દવાઓ ‘એસેન્શિયલ ડ્રગ્સ' તરીકે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હતી, તેના બદલે બે વર્ષમાં આ સંખ્યા બમણી એટલે કે ૧૪૭૯ કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને સંવેદનશીલ અભિગમની પ્રતીતિ કરાવે છે. રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઇ સિવિલ હોસ્પિટલો તથા સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને આ યાદીમાં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ વસ્તુઓ નિઃશુલ્ક મળી રહેશે. આ નિર્ણયથી ગુજરાત સરકારનો ‘ગરીબોની સેવા'નો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે.
ડૉ.અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, એસેન્શિયલ ડ્રગ્સ ની યાદીમાં ગંભીર અને લાંબી બીમારીઓ જેવી કે હૃદયરોગ, કેન્સર માટે, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સ અને માનસિક રોગો માટેની દવાઓનો સમાવેશ કરીને સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પરનો આર્થિક બોજ હળવો કર્યો છે. આ ઉપરાંત એન્ટી-ઈન્ફેક્ટિવ મેડિસિન્સ, શ્વસનતંત્રની દવાઓ અને મેડિકલ ડિવાઈસીસની સંખ્યા વધારવામાં આવી છે, તે દર્શાવે છે કે રાજ્ય સરકાર દર્દીઓને આધુનિક અને શ્રેષ્ઠતમ સારવાર આપવા માટે કટિબદ્ધ છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
