તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 28th February 2026
નર્મદા જિલ્લામાં સિકલસેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરી ચાર મહિનાથી સિકલસેલ ટેસ્ટ બંધ થતા દર્દીઓ અટવાયા
સગર્ભા સ્ત્રીઓની સીકલસેલ રોગની તપાસ ખૂબ જરૂરી હોઈ, તેના કારણે ડિલીવરી વખતે ખૂબ તકલીફો થતી હોય, ભૂતકાળમાં ડિલિવરી દરમિયાન મૃત્યુ પણ થયા છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સરકારે ઘણી સવલતો આપી છે અને મોટા શહેરોની જેમ અહીંયા દર્દીઓની ઘણા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે પરંતુ ક્યારેક ટેકનિકલ ખામી અને તે દૂર કરવામાં વિલંબ થતા દર્દીઓ હેરાન થાય છે. હાલમાં લગભગ ચાર મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સિકલ સેલના દર્દીઓના HPLC ( સિકલ સેલ ) ટેસ્ટ થતા નથી માટે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર સિકલ સેલના દર્દીઓને દર મહિને રૂપિયા ૨૫૦૦ની સહાય આપે છે જેમાં સિવિલ હોસ્પિટલનું સર્ટિ જરૂરી હોય છે પરંતુ સિવિલમાં તેના ટેસ્ટ નહી થતા સર્ટિ નહીં મળતા દર્દીઓ સહાયથી પણ વંચિત રહે છે ઉપરાંત નર્મદા જિલ્લામાં આ રોગના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે જેમાં સગર્ભા સ્ત્રીઓની આ રોગની તપાસ ખૂબ જરૂરી હોઈ, તેના કારણે ડિલીવરી વખતે ખૂબ તકલીફો થતી હોય છે અને કેટલાક કિસ્સામાં તો મહિલાઓના મોત પણ થતા હોય છે, ભૂતકાળમાં ડિલિવરી દરમિયાન અમુક મહિલાઓના મૃત્યુ પણ થયા છે. ત્યારે આવા સંજોગોમા રાજપીપળા સિવિલ હોસ્પિટલ મા ચાર મહિના થી ટેસ્ટ બંધ હોય તો સિવિ ને સરકાર તરફથી મળેલી ઘણી બધી સુવિધાઓનો મતલબ શું.?
આ માટે અમે લેબોરેટરી હેડ ડો. નયન કોટિયા સાથે ટેલિફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે હા સિકલ સેલ ટેસ્ટ બંધ છે કેમ કે આ ટેસ્ટ માટે મશીન માં નાંખવામાં આવતું સોલ્યુશન નથી અને એ માટે અમે ઉપર રજૂઆત કરી છે, ઉપરથી મંજૂરી બાદ સોલ્યુશન આવતા ટેસ્ટ ચાલુ થશે.
જોકે અગાઉ આ ટેસ્ટ માટે નું મશીન બે મહિના બંધ હતું ત્યારે પણ દર્દીઓ ના ટેસ્ટ થતા ન હતાં આમ સિકલસેલ ના દર્દીઓ વારંવાર મુસીબત મા મુકાય છે. અને સરકારી સહાય થી પણ વંચિત રહી જાય છે. તો સ્થાનિક રાજકીય આગેવાનો આ માટે કોઈ કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કરે તો સારું
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
