News of Friday, 20th February 2026
SMCએ ફરી સપાટો બોલાવ્યો :શામળાજી હાઇવે પર ઉદયપુરથી આવતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:અમદાવાદના બુટલેગરની ધરપકડ
SMCની ટીમે ઉદયપુર-હિંમતનગર હાઇવે પર વાડીલાલ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી ગાડીને આંતરીને તલાસી લેતા વિદેશી દારૂની 1784 બોટલો મળી : કુલ ₹૬,૯૮,૧૪૦ નો મુદ્દામાલ જપ્ત: દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર

શામળાજી: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા દારૂના ગેરકાયદે વેપલા પર લગામ કસવા પીએસઆઈ જે.એચ. સિસોદિયા અને તેમની ટીમે શામળાજી હાઇવે પર આવેલા રેણપુર ગામ નજીક દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે ઉદયપુર-હિંમતનગર હાઇવે પર વાડીલાલ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ગાડીને આંતરીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૧,૭૮૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹૩,૯૩,૧૪૦ થાય છે. પોલીસે દારૂ, ₹૩ લાખની કિંમતનું વાહન અને મોબાઈલ મળી કુલ ₹૬,૯૮,૧૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ કેસમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતા રિતેશ સોમાભાઈ પટેલને રંગેહાથ ઝડપી પાડી શામળાજી પોલીસને સોંપ્યો છે. જોકે, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર છે. જેમાં ડુંગરપુરના દેદલી ગામનો વિશ્રામ રૂપશી ભગોરા, તેનો કેશિયર કુલદીપ ઉર્ફે પંડિતજી, જુવાનસિંહ રાજપૂત અને ખેડવાડા ખાતે દારૂ ભરેલી કાર આપનાર અજાણ્યા ચાલકનો સમાવેશ થાય છે.
SMC એ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
